તમિલ સિનેમા જગતમાં રજનીકાંત બાદ જો કોઈ લોકપ્રિય હીરો હોયતો તે યુવા તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય છે પણ હવે તે પોતાનું કેરિયર રાજકારણમાં ચમકાવવા માંગે છે અને આ માધ્યમથી લોકસેવા કરવા માંગે છે.
વિજયે રાજકારણમાં એન્ટ્રી મારી દીધી છે પણ તે કોઈ અન્ય પાર્ટીમાં જોડાવા માંગતા નથી પણ પોતાનીજ રાજકીય પાર્ટી ઉભી કરી દીધી છે જેનું નામ ‘Tamilaga Vetri Kazham’ રાખ્યું છે. 

સુપરસ્ટાર વિજયે રાજકીય પક્ષ શરૂ કર્યા બાદ તે હવે 2026માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

જોકે, તેમની પાર્ટી લોકસભા ચૂંટણી નહીં લડે અને અન્ય કોઈ પક્ષને સમર્થન પણ નહીં આપે.

તાજેતરમાં યોજાયેલી પાર્ટીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મીડિયા સાથેની વાતચીતમાં વિજયે કહ્યું કે અગાઉથી જે ફિલ્મો તેઓએ સાઈન કરી છે તે પહેલા પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે,આ પછી જ તેઓ સંપૂર્ણ રીતે લોકસેવાના રાજકારણમાં સામેલ થશે.

આ જાહેરાત બાદ રાજ્યમાં તેના ચાહકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. જોકે, આ નવી વાત નથી અગાઉ પણ ફિલ્મ સ્ટાર દિવંગત દિગ્ગજ એમજી રામચંદ્રન અને જે જયલલિતા પણ ફિલ્મ જગતને બાય બાય કરી રાજકારણમાં જોડાઈ ચુક્યા છે.

તમિલ સિનેમા જગતમાં વિજયે 68 ફિલ્મોમાં કામ કર્યુ છે મહત્વનું છે કે ફિલ્મ સ્ટાર વિજયના પિતા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ચંદ્રશેખર છે.
આમ,હવે તમિલ સિનેમાના જાણીતા સ્ટાર વિજય રાજકીય કારકિર્દી શરૂ કરી લોકસેવામાં પોતાનું યોગદાન આપશે.