તીહાઇ ધ મ્યુઝીક પીપલના અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટ ના ડો. જયેશ પાવરા આ આખા મેગા પ્રોજેક્ટ નું સંયુક્ત રીતે આયોજન કરશે

  • પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મ એવોર્ડનું આયોજન
  • ગુજરાત અને મુંબઈથી ૩૦૦ સેલિબ્રિટીઓ પહોંચશે દુબઇ
  • ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ વચ્ચે રીલીઝ થયેલી ફિલ્મો માટે એવોર્ડ
  • પ્રથમ “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી” કચ્છમાં યોજાયા હતા

મુંબઈ : વર્ષ ૨૦૨૦ માં કચ્છના સફેદ રણમાં ગુજરાત ટુરિઝમ અને રણોત્સવ ના સહયોગથી યોજાયેલા ગુજરાતી ફિલ્મો ના “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૧૯ – ૨૦૨૦” ઘણાને યાદ જ હશે..

ફરી એકવાર “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨” નું ભવ્યાતિભવ્ય આયોજન આગામી ૧૯ માર્ચે દુબઈ ખાતે કરવાની જાહેરાત આજે મુંબઈ ની પ્રતિષ્ઠિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોલીવુડ અને ગુજરાતી મનોરંજન જગતના દિગ્ગજો ની વિશેષ ઉપસ્થિતિમાં તીહાઇ ધ મ્યુઝીક પીપલ તથા પાવરા એન્ટરટાઇનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી. આ જાહેરાત માટે ખાસ નિમંત્રીતો ની હાજરીમાં યોજાયેલા એક મેગા કાર્યક્રમ માં સંપૂર્ણ આયોજનની બારીકાઈથી વિગતો તીહાઇ ધ મ્યુઝીક પીપલ ના અભિલાષ ઘોડા તથા પાવરા એન્ટરટાઇનમેન્ટ ના ડો. જયેશ પાવરા એ સંયુક્ત રીતે આપી હતી..

તેઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતી ફિલ્મો ને વધુ ઉંચાઇ પર લઇ જવાના ઇરાદા સાથે અમે ૨૦૨૦ માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના ઇતિહાસ માં પ્રથમ વખત ડેસ્ટીનેશન એવોર્ડ નું દબદબાભેર આયોજન કચ્છ ના સફેદ રણમાં કર્યું ત્યારે મનોરંજન જગતના અનેક નામી લોકો ખાસ ઉપસ્થિત રહેલા. હવે અમે વધુ મોટી છલાંગ મારવા સંપુર્ણ પણે કટીબદ્ધ છીએ. હવે અમે જ અમારો વિક્રમ તોડી આખું આયોજન દુબઈ ખાતે કરવા જઇ રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ માં પોતાની ફિલ્મ મુકવા માંગતા નિર્માતા શ્રીઓ માટે આજથી અમે એક ઓનલાઇન ફોર્મ મુકી રહ્યા છીએ. જેની સમય મર્યાદા આગામી તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ સાંજે ૬ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી શરૂ કરીને તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ વચ્ચે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ના નિર્માતાશ્રી ઓ નિયત ઓનલાઇન ફોર્મ ભરી તેમની ફિલ્મ ની એન્ટ્રી આ એવોર્ડ માટે આપી શકે છે.

અમારી નિયત અને તટસ્થ જ્યુરી દ્વારા અમને મળેલી તમામ ગુજરાતી ફિલ્મો નું ખાસ સ્ક્રીનીંગ કરી પ્રત્યેક કેટેગરીમાં કુલ ત્રણ ત્રણ નોમીનેશન નક્કી કરવામાં આવશે. કુલ ૨૮ કેટેગરીમાં અપાનાર આ ખાસ એવોર્ડ માટેના નોમીનેશન ની જાહેરાત આગામી તારીખ ૧૨ ફેબ્રુઆરી એ અમદાવાદ ખાતેથી કરવામાં આવશે.
નોમીનેશન માં આવેલ નામો સહિત બોલીવુડ તથા ગુજરાતી મનોરંજન જગતના દિગ્ગજો, પ્રાયોજકો ના પ્રતિનિધિઓ સહિત પસંદગીના અંદાજીત ૩૦૦ લોકોને આયોજકો દ્વારા આગામી તારીખ ૧૮ માર્ચે દુબઈ લઇ જવામાં આવશે. તારીખ ૧૯ માર્ચના રોજ દુબઈ ના અતિ પ્રતિષ્ઠિત બોલીવુડ પાર્ક ખાતે બીજા ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨ નું આયોજન ભારતથી દુબઈ ગયેલા ખાસ મહેમાનો તથા દુબઈ સ્થિત ખાસ આમંત્રીતો ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

તીહાઇ ધ મ્યુઝીક પીપલ તથા પાવરા એન્ટરટાઇનમેન્ટ સાથે દુબઈ ની સ્થાનિક વ્યવસ્થા ની જવાબદારી ડીવાઇન ઇવેન્ટ ના વ્યાપ્તિ જોષી તથા પ્રશાંત જોષી સંભાળી રહ્યા છે. નામી કલાકારો ના વિવિધ પરફોર્મન્સ દ્વારા આ સમારંભ વધુ દિપી ઉઠે તેવું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. ગઇ રાત્રે યોજવામાં આવેલા ભવ્ય સમારંભ માં પેનોરામા સ્ટુડિયો ના શ્રી કુમાર મંગલ પાઠક, વીતેલા જમાનાની તિરંગા સહિત અનેક સુપરહિટ ફિલ્મો ના દિગ્દર્શક શ્રી મેહુલ કુમાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નિર્માતા શ્રી આસીત મોદી, બોલીવુડ ની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ, ટ્રાન્સમીડીયા ના જસ્મીનભાઇ શાહ, મુંબઈ સમાચાર ના નિલેશ દવે, બોલીવુડ ના જાણીતા લેખક દિગ્દર્શક સંજય છેલ, જાણીતા લેખીકા વક્તા કાજલ ઓઝા વૈદ્ય, ગુજરાતી ફિલ્મો ના જાણીતા કલાકારો હીતેન કુમાર, હીતુ કનોડિયા, ધર્મેશ વ્યાસ, સંજય ગોરડિયા,ઓજસ રાવલ, હેમાંગ દવે, આકાશ ઝાલા, પ્રિનલ ઓબેરોય, આનંદી ત્રીપાઠી, મેહુલ બૂચ, ભાવિની ગાંધી, ઇશા કંસારા, સિધ્ધાર્થ અમીત ભાવસાર, પાર્થ ભરત ઠક્કર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

બોલીવુડ માંથી કોણ કોણ આવે તેમ છે ??? તેવા એક સવાલ ના જવાબ માં બન્ને આયોજકો અભિલાષ ઘોડા તથા ડો. જયેશ પાવરા એ જણાવ્યું હતું કે, બોલીવુડ તથા ગુજરાતી મનોરંજન જગતના ના જાણીતા નામો જેવા કે શર્મન જોશી, જ્હોની લીવર, ચંકી પાંડે, રશ્મિ દેસાઈ, મનોજ જોષી, જેકી શ્રોફ, અમીષા પટેલ, ટીકુ તલસાણીયા, ભુમી ત્રીવેદી, પાર્થિવ ગોહિલ, માનસી ગોહિલ, સિધ્ધાર્થ રાંદેરિયા, મનહર ઉધાસ, હીમેશ રેશમીયા, સચિન – જીગર, કીર્તિ સાગઠીયા, ઇસ્માઇલ દરબાર, સંજય ગોરડિયા, આનંદ પંડીત, યશ સોની, હીતુ કનોડિયા, હીતેન કુમાર, ધર્મેશ વ્યાસ, મલ્હાર ઠાકર, પુજા જોષી, ભરત ચાવડા, ઓજસ રાવલ, હેમાંગ દવે, આકાશ ઝાલા, ચેતન દૈયા, રાગી જાની, દેવકી, જમનાદાસ મજીઠીયા ( જે.ડી. ), પ્રિનલ ઓબેરોય, રોનક કામદાર, દિક્ષા જોષી, સિધ્ધાર્થ અમીત ભાવસાર, ઇશા કંસારા, સહિત અનેક નામી લોકોને અમે નિમંત્રણ મોકલી રહ્યા છીએ.

આ સમગ્ર શો નું પ્રસારણ પણ પ્રતિષ્ઠિત ચેનલ પરથી થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગુજરાતી ફિલ્મો નું સ્તર ખુબ ઉપર ગયું છે તે જ રીતે ગુજરાતી ફિલ્મો ને લગતી ઇવેન્ટ નું સ્તર પણ ખુબ ઉપર જાય અને સૌથી મોટા એવોર્ડ નું બીરૂદ પણ અમે આપીએ તેના કરતાં ઉપસ્થિત લોકો જ આપે તેમ આયોજકો ની લાગણી છે..