લોકસભા 2024ની ચૂંટણીના પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની મળી કુલ 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

પાંચમા તબક્કા માટે સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10.28 ટકા મતદાન નોંધાયું

ચૂંટણીના પાંચમા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 10.28% મતદાન નોંધાયું હતું જેમાં બિહાર 8.86% જમ્મુ અને કાશ્મીર 7.63% ઝારખંડ 11.68% લદ્દાખ 10.51% મહારાષ્ટ્ર 6.33% ઓડિશા 6.87% પશ્ચિમ બંગાળ 15.35% મતદાન નોંધાયું છે.

ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે,ઓડિશા વિધાનસભાની કુલ 147 બેઠકો છે,જે પૈકી 13 મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ 28 બેઠકો પર મતદાન થયું હતું.

આ ચૂંટણી જંગમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની અને પીયૂષ ગોયલ સહિત 9 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે.

2019માં ભાજપે સૌથી વધુ 32 સીટો, શિવસેનાને 7 અને TMC 4 સીટો જીતી હતી.

કોંગ્રેસ યુપીની માત્ર રાયબરેલી સીટ જીતવામાં સફળ રહી હતી. અન્યને 5 બેઠકો મળી હતી.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર
મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે 17 વિશેષ ટ્રેનો, 508 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમાં તબક્કામાં જે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. 

પાંચમા તબક્કાની ચૂંટણીમાં 695 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 613 પુરુષ અને 82 મહિલા ઉમેદવારો છે. આમાં મહિલાઓ માત્ર 12% છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અનુસાર, આ તબક્કામાં 615 ઉમેદવારોમાંથી 23% એટલે કે 159 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં, આજે 8 રાજ્યો અને સંઘના પ્રદેશોમાં 49 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. હું આ તબક્કાના તમામ મતદારોને તેમના મત આપવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. મહિલાઓ અને યુવા મતદારોને લોકશાહીના આ તહેવારમાં ભાગ લેવાની મારી વિશેષ અપીલ છે.’