આજે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા ‘દિલ્હી ચલો કૂચ’ આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીને અડીને આવેલી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે.
ખેડૂતોની દિલ્હી તરફની કૂચને રોકવા માટે સોમવારે મોડી રાત સુધી ચાલેલી કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની મેરેથોન બેઠકમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટીના મુદ્દે હલ નહિ આવતા ખેડૂતોની કૂચ ચાલુ રહેનાર હોય, દિલ્હીને અડીને આવેલી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે.
તમામ સરહદો પર અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે, સિંઘુ-ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ અને અભેદ્ય સુરક્ષા વચ્ચે પણ શંભુ સરહદે ટ્રેક્ટર સાથે ખેડૂતો આગળ વધી રહયા છે.
દિલ્હીની સરહદમાં પ્રવેશતાની સાથે જ પોલીસે સિમેન્ટના મોટા બેરીયર્સ ઉભા કરી અસ્થાયી દિવાલ બનાવી દીધી હોય બહારથી આવતા લોકોને બસ સહિતના વાહનો દૂર છોડી રહયા હોય મુસાફરો પરેશાન થઈ રહયા છે.
મુખ્ય રસ્તાઓ બંધ હોવાને કારણે ખેડૂતો ગામની અંદરથી દિલ્હીમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ પ્રશાસને કડક વ્યવસ્થા કરી છે.
અનેક ગામના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે.
જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. પગપાળા જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ખેડૂતોની કૂચને લઈને દિલ્હી એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે અડવાઇઝરી જારી કરવામાં આવ છે જેમાં જણાવાયા મુજબ દિલ્હીની વિવિધ સરહદો પર આજથી શરૂ થઈ રહેલા ખેડૂતોના આંદોલનને કારણે ટ્રાફિકને અસર થશે, કોમર્શિયલ વાહનો માટે ટ્રાફિક પ્રતિબંધ અને ફેરફારો 12 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા હોય સમયસર એરપોર્ટ પર પહોંચવા અને સરળ મુસાફરી કરવા માટે, તમે અનુકૂળ પરિવહન વિકલ્પો માટે ટર્મિનલ 1 (T1) માટે મેજેન્ટા લાઇન અથવા ટર્મિનલ 3 (T3) માટે એરપોર્ટ મેટ્રોનો ઉપયોગ કરી શકો છો.