પંજાબી કપલનો પાસપોર્ટ મેળવી અમેરિકાના એજન્ટે બનાવ્યો હતો પ્લાન, એરલાઇન્સને શંકા જતા નકલી પતિ-પત્નીનો ભાંડો ફૂટ્યો

અમેરિકા જવાની ગુજરાતીઓની ઘેલછા ક્યારેય ઓછી થતી નથી અને જે પ્રકારે ગેરકાયદે રસ્તો અપનાવાય છે તે જોતા તો એવું જ લાગે છે કે ગુજરાતીઓ તમામ રસ્તાઓ અપનાવી શકે છે. અમેરિકા જવા માટે મહેસાણાના એક 26 વર્ષીય યુવક અને અમદાવાદના ગોતામાં રહેતી 21 વર્ષીય યુવતીએ કંઇક આવો જ પ્લાન બનાવ્યો. અમેરિકન એજન્ટે કેનેડાના વર્ક પરમિટ ધરાવતા પંજાબી કપલના પાસપોર્ટ મેળવી લીધા હતા અને તેના આધારે આ બંને ગુજરાતીઓને નકલી પતિ પત્ની બનાવી કેનેડા જવાનો કારસો રચ્યો હતો. જોકે દિલ્હી એરપોર્ટ પર ચેક ઇન કર્યા બાદ એરલાઇન્સને શંકા જતા આ નકલી પતિપત્નીનો ભાંડો ફૂટી ગયો હતો.

મહેસાણાનો યુવક અને અમદાવાદના ગોતાની યુવતી
મહેસાણા જિલ્લાના એક ગામનો યુવક અને 21 વર્ષની અમદાવાદ ગોતાની યુવતી પાસપોર્ટમાં ચેડા કરાવી અમેરિકા જવાનું સપનું સેવી રહ્યા હતા. તેમણે એજન્ટની મદદથી પંજાબ યુવક સની બંસલ અને શિવાની બંસલનો પાસપોર્ટ મેળવ્યો હતો. જેમાં છેડછાડ કરીને તેઓ વાયા કેનેડા થઇ અમેરિકા જવાના હતા. મહેસાણા જિલ્લાના એક ગામનો 26 વર્ષનો હાર્દિક પ્રજાપતિ અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી 21 વર્ષની હિરલ પટેલ ચેન્નઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલી તેમની ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ ત્યારે એરલાઈનના સ્ટાફને શંકા જતાં આ બે ઝડપાઇ ગયા હતા. નોંધનીય છે કે નકલી પતિ પત્ની પાસેનો ઓરિજીનલ પાસપોર્ટ મૂળ પંજાબના લુધિયાણાના અને માર્ચ 2023માં કેનેડા પહોંચેલા એક કપલના હતા. જેમનું નામ શિવાની બંસલ અને સની બંસલ હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હી પોલીસે હાલ બંનીની ધરપકડ કરીને તપાસ આગળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કેનેડાના રસ્તે ગેરકાયદે પ્રવેશ મેળવીને 2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. આ તરફ 2023માં પણ માણેકપુરાનો ચૌધરી પરિવાર ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતા મોતને ભેટ્યો હતો.