વિઝા ફીમાં વર્ષ 2024 માં કરવામાં આવેલા ધરખમ વધારા છતાં, એજન્સીનું આર્થિક સંતુલન બગડ્યું , ‘એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝા’ (AEWV) ની સંખ્યામાં મોટા ઉછાળાની ગણતરી ખોટી પડી

વેલિંગ્ટન: ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ (INZ) ના નાણાકીય ખાતામાં $152 મિલિયનની તોતિંગ ખાધ નોંધાઈ છે. વિઝા ફીમાં વર્ષ 2024 માં કરવામાં આવેલા ધરખમ વધારા છતાં, એજન્સીનું આર્થિક સંતુલન બગડ્યું છે. સંસદીય સમિતિ સમક્ષ રજૂ થયેલા અહેવાલો મુજબ, વિઝા અરજીઓની સંખ્યામાં ધારણા કરતા ઓછો ઘટાડો અને ખોટા આર્થિક પૂર્વાનુમાન આ નુકસાન માટે જવાબદાર છે.

ખોટા અંદાજો અને આર્થિક મંદીની અસર

ઇમિગ્રેશન પોલિસી મેનેજર સિઆન રોગુસ્કીના જણાવ્યા અનુસાર, વિભાગે એવું અનુમાન લગાવ્યું હતું કે ‘એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝા’ (AEWV) ની સંખ્યામાં મોટો ઉછાળો આવશે, પરંતુ આર્થિક મંદીને કારણે આ આંકડો ધારણા કરતા ઘણો ઓછો રહ્યો. આ ઉપરાંત, વિઝા ફી વધવાની ડેડલાઈન પહેલા અરજીઓનો ધસારો થયો હતો, જેણે લાંબા ગાળે આવકના ગણિત બગાડ્યા છે. વિભાગ અત્યારે નવા IT સિસ્ટમ પાછળ 8 વર્ષમાં $336 મિલિયન ખર્ચ કરી રહ્યું છે, જે પણ એક મોટો આર્થિક બોજ છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારા એમ્પ્લોયરો પર કડક કાર્યવાહી

ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સરકાર હવે ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરનારાઓ સામે લાલ આંખ કરશે.

  • એક્રેડિટેશન રદ: અત્યાર સુધીમાં 2,000 થી વધુ વ્યવસાયોના ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખવાના લાઇસન્સ (Accreditation) સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવ્યા છે.
  • કોર્ટ કેસ: હાલમાં પરપ્રાંતિય મજૂરોના શોષણના 49 કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.
  • સ્ટાફની બદલી: વિઝા પ્રોસેસિંગ સ્ટાફને હવે ‘કોમ્પ્લાયન્સ’ (નિયમ પાલન તપાસ) વિભાગમાં ખસેડવામાં આવ્યો છે જેથી ગેરરીતિઓ પકડી શકાય.

નવા કાયદા અને ફીનું માળખું

સરકાર હવે ઇમિગ્રેશનનો લાભ મેળવતા ત્રીજા પક્ષો (જેમ કે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેક્ટર) પાસેથી પણ ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક અને આઈડી પ્રોગ્રામમાં પણ વિલંબ થયો છે કારણ કે સરકાર સમગ્ર તંત્ર માટે એક નવી આઈડેન્ટિટી સ્કીમ પર કામ કરી રહી છે.

મધ્ય-પૂર્વ યુદ્ધની અસર: ઇરાની નાગરિકો માટે વિશેષ ડેસ્ક

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર ન્યૂઝીલેન્ડના વિઝા ધારકો પર પણ પડી છે.

  • વિઝા એક્સટેન્શન: જે ઇરાની નાગરિકો યુદ્ધને કારણે મુસાફરી કરી શકે તેમ નથી અથવા જેમના વિઝા પૂરા થઈ રહ્યા છે, તેમના માટે મંત્રીએ વિશેષ ડેસ્ક બનાવવાની જાહેરાત કરી છે.
  • શરણાર્થીઓ અટવાયા: યુદ્ધને કારણે 41 કોટા શરણાર્થીઓ ન્યૂઝીલેન્ડ આવી શક્યા નથી. યુક્રેન જેવી લાંબાગાળાની વિઝા સ્કીમ અંગે સરકારે જણાવ્યું છે કે હાલમાં માત્ર તાત્કાલિક અસરો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ભવિષ્યની નીતિ અંગે હજુ ચર્ચા થઈ નથી.