રુદ્રપ્રયાગમાં બાબા કેદારે યાત્રાળુઓને બચાવી લીધા હોવાની વાત કોઈ ચમત્કારથી ઓછી નથી. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેને હેલિપેડને બદલે જોખમી રીતે અન્ય જગ્યાએ ઉતાવરવુ પડ્યું હતું જેમાં તમામ યાત્રાળુઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

કેદારનાથ ધામમાં ક્રિસ્ટલ એવિએશનના હેલિકોપ્ટરમાં ખામી સર્જાયા બાદ અકસ્માત ટાળવા માટે પાયલોટે 100 મીટર અગાઉ ઈમરજન્સી લેન્ડિંગ કરાવી છ યાત્રાળુઓના જીવ બચાવી લીધા હતા.

હેલિકોપ્ટરના પાયલટની બુદ્ધિમત્તાને કારણે યાત્રાળુઓના જીવ બચાવી શકાયા હતા. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 મુસાફરો સવાર હતા. હેલિકોપ્ટર સેરસી હેલિપેડથી શ્રી કેદારનાથ ધામ તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ક્રિસ્ટલ એવિએશનના હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટે શુક્રવારે સવારે 7.05 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગનો વીડિયો પણ સામે આવ્યો છે.

પાયલોટ કલ્પેશના જણાવ્યા અનુસાર તમામ મુસાફરો સુરક્ષિત છે. જો ઈમરજન્સી લેન્ડિંગ ન થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સુરક્ષિત ઉતરાણ બાદ મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એનએસ રાજવારે જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટર આજે સવારે સેરસીથી કેદારનાથ તરફ જઈ રહ્યું હતુ ત્યારે કેદારનાથ હેલિપેડથી 100 મીટર પહેલાં ટેક્નિકલ ખામીને કારણે હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

પાયલોટ કલ્પેશે કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવી યાત્રાળુઓના જીવ બચાવ્યા હતા. ઘટના સમયે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા.