Elon Musk: શું ટેસ્લા અને ટ્વિટર મર્જ થવા જઈ રહ્યા છે? વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કનું એક ટ્વિટ પણ આ જ સંકેત આપી રહ્યું છે. તેમના ટ્વીટથી ફરી એકવાર ચકચાર મચી ગઈ છે.

Elon Musk, Twitter, Musk twitter Deal, ટ્વિટર, એલન મસ્ક,

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ટેસ્લાના સીઈઓ એલન મસ્કને કોણ નથી જાણતું. દરરોજ તે સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. મસ્કની ખાસ વાત એ છે કે તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ દરરોજ વાયરલ થતી રહે છે. ઈલોન મસ્કનો ‘પ્રેમ’ ટ્વિટર પર પણ કોઈથી છૂપો નથી.

આ વાત દુનિયાની સામે છે કે મસ્કે ટ્વિટર સાથેનો પોતાનો સોદો કેન્સલ કરી દીધો છે. અત્યાર સુધી એક માત્ર અપડેટ એ છે કે મસ્ક ટ્વિટર નથી ખરીદી રહ્યા, પરંતુ 30 જુલાઈના રોજ તેમના દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ લોકોને ફરીથી ઊંડા વિચારમાં મૂકી રહ્યું છે. એક તરફ જ્યાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યાં હવે મર્જરનાં સંકેત આવી રહ્યા છે.

મસ્કે ટ્વિટ કર્યું- ‘ટેસ્લા + ટ્વિટર = ટ્વિઝલર.’ હવે મસ્કના આ ટ્વિટનો અર્થ શું છે? ઘણા લોકોને લાગે છે કે ટેસ્લા અને ટ્વિટર ટૂંક સમયમાં મર્જ થવા જઈ રહ્યા છે. કારણ કે મસ્કનું ટ્વીટ અત્યારે આ જ સંકેત આપી રહ્યું છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

17 ઓક્ટોબરથી ટ્રાયલ શરૂ થશે
નોંધનીય છે કે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે 44 બિલિયન ડોલરની ડીલ કેન્સલ કરવા બદલ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક સામે કાનૂની માર્ગ અપનાવ્યો છે. હવે બંને વચ્ચે 17 ઓક્ટોબરથી કાનૂની જંગ શરૂ થશે. અમેરિકી ન્યાયાધીશે આ હાઈપ્રોફાઈલની સુનાવણી માટે આ તારીખ નક્કી કરી છે.

સોદો કેમ રદ થયો?
તમને જણાવી દઈએ કે ટેસ્લાના માલિક એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનની ઓફર કરી હતી, પરંતુ બાદમાં આ ડીલ રદ કરી દીધી હતી. તેણે કારણ આપ્યું કે ટ્વિટર પર મોટી માત્રામાં સ્પામ અથવા બોટ્સ એકાઉન્ટ છે, જેની માહિતી તેમને આપવામાં આવી નથી.