પાકિસ્તાનમાં આજે 3 માર્ચે વડાપ્રધાન કોણ બનશે તે સામે સૌની નજર છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન માટે મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંયુક્ત ઉમેદવારતરીકે શાહબાઝ શરીફ ચૂંટણી મેદાનમાં છે.
શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. 2018માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં, PML-N એ શાહબાઝને તેના PM ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આ ચૂંટણી જીતી હતી.
જોકે, 2022માં ઈમરાનની સરકાર પડી ગયા બાદ શાહબાઝને પીએમ બનવાની તક મળી,આ પહેલા તેઓ ત્રણ વખત પંજાબ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
જ્યારે ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ઓમર અયુબ ખાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે,તેઓ પીટીઆઈના જનરલ સેક્રેટરી અને પૂર્વ પ્રમુખ અયુબ ખાનના પૌત્ર છે,અયુબ ખાન એ જ રાષ્ટ્રપતિ છે જેમના કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965નું યુદ્ધ થયું હતું.
પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન પદ માટે ચૂંટણી યોજાશે,નેશનલ એસેમ્બલીનું સત્ર ભારતીય સમય મુજબ સવારે 11.30 વાગ્યે શરૂ થશે.
નવાઝ શરીફની PML-N અને બિલાવલ ભુટ્ટોની PPP પાર્ટીએ બહુમતી મેળવવા માટે ગઠબંધન કર્યું છે. આ ગઠબંધન નવાઝના નાના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફને PM પદના ઉમેદવાર જાહેર કર્યા છે.
આજે પાકિસ્તાનના વડાપ્રધાન ચૂંટાયા બાદ તા.9મી માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.
જેમાં,પીએમએલ-એન અને પીપીપીએ સંયુક્ત રીતે આસિફ અલી ઝરદારીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે ઈમરાન તરફી એસઆઈસીએ મહમૂદ ખાન અચકઝઈને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગત તા.8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જે બાદ તા.11મી ફેબ્રુઆરીએ તમામ સીટોના પરિણામ જાહેર થયા. જેમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી.
જોકે, ઈમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 93 બેઠકો જીતી હતી.જે બાદ તા. 29મી ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું હતું. તમામ સાંસદોએ પદના શપથ લીધા. આ પછી 1 માર્ચના રોજ નેશનલ એસેમ્બલીમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર માટે ચૂંટણી યોજાઈ હતી. બંનેમાં પીએમએલ-એન સમર્થન ધરાવતા ઉમેદવારો જીત્યા હતા.
દરમિયાન,આજે પાકિસ્તાનના વડાપ્રધાન કોણ બનશે તે નક્કી થઈ જશે.