નેતાજી સુખા પટેલના 9 અલગ અલગ સ્થાને ઇડીના દરોડા, રૂ. 2000ની એક કરોડથી વધુ નોટ ઝડપાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. વલસાડ
વલસાડ અને દમણમાં નામચીન નેતા એવા સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલના ત્યાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પડ્યા હતા. આ દરોડામાં ઇડીએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે દરોડા દરમિયાન સુખા પટેલની 9 રેસિડેન્શિયલ તથા કોમર્સિયલ પ્રોપર્ટીમાંથી 1.62 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂપિયા 2 હજારની એક કરોડથી વધુ નોટોનો પણ સમાવેશ થાય છે. ઇડીએ સુરેશ પટેલ વિરુદ્ધ PMLA 2002 એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
100થી વધુ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા
દરોડા દરમિયાન ઇડી અધિકારીઓને ન માત્ર કેશ પ્રાપ્ત થઇ છે પરંતુ તેમને 100થી વધુ પ્રોપર્ટીની પાવર ઓફ એટર્ની સહિતના ડોક્યુમેન્ટ્સ પણ હાથ લાગ્યા છે. જેમાં કેટલીક ફર્મ, શેલ કંપનીઓ સહિત વિવિધ વ્યવહારો માટેના કેશ ટ્રાન્ઝેક્શનના પૂરાવા પણ ઇડીએ જપ્ત કર્યા છે. આ ઉપરાંત ઇડીએ 3 બેંક લોકર સીઝ કર્યા છે.
EDની તપાસમાં સામે આવ્યું છે કે સુરેશ પટેલ અને તેના સાથીઓએ કંપનીઓનું જાળું બનાવ્યું હતું. મોટાભાગની કંપનીઓ/ફર્મ્સ પાસે કોઈ ધંધો નહોતો અથવા બહુ ઓછો બિઝનેસ હતો. આ કંપનીઓ માત્ર તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી પેદા થયેલા ગેરકાયદેસર નાણાંને લોન્ડરિંગ કરવાના એકમાત્ર હેતુ સાથે બનાવવામાં આવી હતી. બુટલેગીંગ, ખંડણી, ભ્રષ્ટાચાર વગેરેથી તેઓએ આ નાણાં ભેગા કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સુરેશ પટેલ, તેમના પરિવારના સભ્યો અને તેમના દ્વારા નિયંત્રિત કંપનીઓ/ફર્મ્સના બેંક ખાતાઓમાં રૂ.થી વધુની રોકડ જમા કરવામાં આવી છે. જે અંદાજે 100 કરોડ આસપાસ થવા જઇ રહી છે.
સુરેશ પટેલ સામે ગુજરાતમાં ક્યા ક્યા કેસ ?
સુરેશ પટેલ પર હાલ ગુજરાતમાં દારૂની હેરાફેરીના 10 થી વધુ કેસ, બનાવટી અને છેતરપિંડીના 7 કેસ, હત્યા અથવા હત્યાના પ્રયાસના 8 કેસ, ગેરકાયદેસર હથિયાર રાખવાના 5 કેસ, ભ્રષ્ટાચારના 1 કેસ અને અન્ય વિવિધ ગુનાઓમાં આરોપી છે. તેને ભારતીય દંડ સંહિતાની કલમ 174-એ હેઠળ નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. હાલ સુરેશ પટેલ અને તેના સાથીદારો કેતન પટેલ, વિપુલ પટેલ, મિતેન પટેલ હાલમાં વર્ષ 2018માં દમણમાં બેવડી હત્યાના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
, હત્યા, ખંડણી, ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર હથિયાર રાખવાના વિવિધ ગુનાઓ હેઠળ ઉપરોક્ત આરોપીઓ સામે દમણ પોલીસ, ગુજરાત પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલા કેસોના આધારે ED એ સુરેશ પટેલ ઉર્ફે સુખા અને તેના સાથીદારો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ તપાસ શરૂ કરી હતી. ઉપરોક્ત કેસો ઉપરાંત સુરેશ પટેલ અને તેના સાથીદારો સામે ગુજરાત અને દમણના વિવિધ પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી, હત્યા, ખંડણી, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં 35 થી વધુ કેસ નોંધાયેલા છે. લૂંટ, સરકારી નોકરો પર હુમલા, બનાવટી પાસપોર્ટના કેસ પણ સુરેશ પટેલ સામે નોંધાયેલા છે.
સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલ કોણ છે ?
સુરેશ પટેલ વલસાડ અને દમણ ખાતેનું જાણીતું નામ છે. ભૂતકાળમાં તેઓ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જોકે હાલ તેઓ ડબલ મર્ડર કેસમાં જેલની હવા ખાઇ રહ્યા છે. તેમના પર અનેક કિસ્સાઓમાં FIR પણ નોંધાઇ ચૂકી છે.
જમીન અન મની લોન્ડરિંગમાં સુખા પટેલની માસ્ટરી
સુખા પટેલ દમણ અને વલસાડમાં કેબલ, વાઇનશોપ બિઝનેસ ઉપરાંત જમીનો કબેજ કરવામાં ખેલાડી માનવામાં આવી છે. તેમણે બોગસ દસ્તાવેજો બનાવીને પણ ઘણી શેલ કંપનીઓ ઉભી કરવાની માહિતી પણ ઇડીને હાથ લાગી છે.