આમ આદમી પાર્ટીએ વિદેશમાંથી કરોડોનું ફંડ લીધું હોવા અંગે ઈડીએ આરોપ લગાવ્યો છે.

ઈડીની તપાસ અને આરોપ મામલે આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે આ કેસ ઘણા જૂના છે અને સંલગ્ન પ્લેટફોર્મ પર તેના જવાબ પણ આપી દેવાયા છે.

વિદેશી ફંડિંગને લઈને ઇડીએ કરેલા દાવા મુજબ AAPને 2014થી 2022 દરમિયાન રૂ.7.02 કરોડનું વિદેશી ભંડોળ મળ્યું હતુ જેનો રિપોર્ટ ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે. ઇડીએ આપ પર એફસીઆરએ, આરપીએ અને આઇપીસીના નિયમોના ભંગનો આરોપ લગાવ્યો છે. 
આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટીને કોણે કોને વિદેશી ફંડિંગ આપ્યું તેઓની ઓળખ અને રાષ્ટ્રીયતાની સાથે અન્ય દસ્તાવેજ જોડવામાં આવ્યા છે, જે પુરાવા પક્ષ માટે નવી મુશ્કેલીઓનો ઉભી કરી શકે છે.

ફંડ ટ્રાન્સફર કરવામાં એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે, ઇડીએ તપાસમાં આપ અને તેના નેતાઓ દ્વારા વિદેશી ભંડોળ મેળવવા ગેરરીતિ કરી હોવાની વાત પણ કહેવામાં આવી છે. જેમાં પક્ષના દુર્ગેશ પાઠક અને અન્ય નેતાઓએ ૨૦૧૬માં કેનેડામાં ફંડ રેઇઝિંગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રુપિયાનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કર્યો હોવાના આરોપ લાગ્યા છે. 

આમ આદમી પાર્ટી દ્વારા તેના ખાતાઓમાં દાન આપનારાઓની વિગત છૂપાવવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે જેના કારણમાં એફસીઆરએ  હેઠળ વિદેશી નાગરિકો પાસેથી દાન લઈ શકાતું નથી તે વાત પણ નોંધવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓએ નામ, દાન કરનારાઓના દેશ, પાસપોર્ટ નંબર, દાન કરેલી રકમ, પેમેન્ટનું માધ્યમ, મેળવનારનું બેન્ક ખાતા નંબર, બિલિંગ નામ, બિલિંગ એડ્રેસ, ટેલિફોન નંબર, બિલિંગ ઇ-મેઇલ, સમય અને તારીખ, કયા ગેટવેનો ઉપયોગ કરવામાં આવ્યો જેવી જાણકારી શેર કરી છે તેને પીએમએલએ હેઠળ સામે લાવવી જોઈએ. 

બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે લિકર સ્કેમ અને સ્વાતિ માલીવાલ પ્રકરણ પછી ભાજપ અમારી સામે વધુ એક આરોપનામું લઈ આવ્યું છે. થોડા દિવસો પછી તે વધુ એક મામલો સામે લાવશે. વાસ્તવમાં ભાજપ પંજાબ અને દિલ્હીમાં બધી ૨૦ સીટ હારી રહ્યું છે.  મોદી સરકારથી લોકો બહુ નારાજ છે. ભાજપ હતાશામાં પગલાં ભરી રહ્યુ છે. આ ઇડીની કાર્યવાહી નથી, ભાજપની કાર્યવાહી છે. આ  કેસો ઘણા જૂના છે અને સંલગ્ન પ્લેટફોર્મ પર તેના જવાબ આપી દેવાયા છે તેમછતાં ભાજપ હજુપણ અમારી સામે આવા કોઈને કોઈ આરોપો લઈને આવશે તે નક્કી છે.