મની લોન્ડરીંગ કેસમાં ઈડી દ્વારા આરોપીની ધરપકડ કરવા મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 44 હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા બાદ ઈડી કોઈની સીધી ધરપકડ કરી શકે નહિ.
જો ED આરોપીને કસ્ટડીમાં લેવા માંગે છે તો તેણે પહેલા સંબંધિત કોર્ટમાં અરજી કરવી પડશે અને અરજીથી સંતુષ્ટ થયા બાદ જ કોર્ટ આરોપીની કસ્ટડી EDને આપશે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઈડી એ જો કોઇ વ્યક્તિની ધરપકડ કરવી હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવાની રહેશે જે બાદ કોર્ટ કસ્ટડીમાં પૂછપરછની જરૂરિયાતના કારણો જાણશે અને તે કારણો યોગ્ય જણાશે તો માત્ર એક વાર આરોપીની કસ્ટડી આપી શકે છે.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભૂયણની બેન્ચે એ પણ કહ્યું કે ‘જો તે આરોપી સમન્સનું પાલન કરવા માટે વિશેષ કોર્ટમાં હાજર થયો હોય, તો એવું ન માની લેવાય કે તે આરોપી કસ્ટડીમાં છે.
જે આરોપી સમન્સ મળ્યા બાદ કોર્ટમાં હાજર થયો હોય તો તેને જામીન માટે અરજી કરવાની જરૂર રહેતી નથી અને PMLA એક્ટની કલમ 45ની બેવડી શરત તેના પર લાગુ ન થઈ શકે.

બેન્ચે વધુમાં કહ્યું હતું કે ‘આરોપીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવી શકાય છે, પરંતુ તેણે તેની મુક્તિ માટે જામીનની શરતો પણ પૂરી કરવી પડશે.
જો ED ફરિયાદ દાખલ થાય ત્યાં સુધી આરોપીની ધરપકડ ન કરે, તો કોર્ટે કલમ 44 હેઠળ ફરિયાદનું સંજ્ઞાન લેવું જોઈએ અને આરોપીને વોરંટ નહીં પણ સમન્સ આપવું જોઈએ તેમ નામદાર કોર્ટની બેંચે ઉમેર્યું હતું.