ઘણી ઇમારતો ધરાશાયીના અહેવાલ, 43 લોકો ગુમ, બેંગકોકમાં કટોકટી જાહેર, 12 મિનિટમાં બે વાર ધરતી ધ્રુજી, બેંગકોકમાં ઇમર્જન્સી જાહેર કરાઇ

Earthquake in Thailand & Myanmar : શુક્રવારે મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તે અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગમાં હતું. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય અવા પુલ ભૂકંપના આંચકાને કારણે તૂટી પડ્યો હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને તાઇવાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું
કેટલીક સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે મ્યાનમારમાં ૭.૭ અને ૬.૪ ની તીવ્રતાના સતત બે ભૂકંપ આવ્યા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પર બનેલો પ્રખ્યાત અવા પુલ ધરાશાયી થઈ ગયો છે. ભૂકંપમાં ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા લગભગ 900 કિલોમીટર દૂર બેંગકોકમાં પણ અનુભવાયા હતા.
બેંગકોકમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી: પોલીસ
બેંગકોક પોલીસનું કહેવું છે કે બપોરે થાઈ રાજધાનીમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં નિર્માણાધીન એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ ગઈ. સંભવિત જાનહાનિનો આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બેંગકોકના લોકપ્રિય ચતુચક માર્કેટ પાસે બની હતી. ધસી પડવાના સમયે સ્થળ પર કેટલા કામદારો હતા તે અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી.