અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત: યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સંબંધો પર ચર્ચા, પત્રકારોના સવાલ સામે જવાબ પણ ના આપવા રહયા ટ્રમ્પ

અલાસ્કામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બહુચર્ચિત મુલાકાતમાં યુક્રેન યુદ્ધ, પરસ્પર સંબંધો અને સહકાર જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને માત્ર ૧૨ મિનિટ સુધી સંબોધિત કરી અને કોઈ પણ સવાલનો જવાબ આપ્યો ન હતો.
પ્રેસ કોન્ફરન્સના અંતે એક રસપ્રદ ક્ષણ જોવા મળી, જ્યારે ટ્રમ્પે પુતિનને કહ્યું કે “જલ્દી મળીશું.” તેના જવાબમાં રશિયન રાષ્ટ્રપતિએ અંગ્રેજીમાં કહ્યું, “નેક્સ્ટ ટાઈમ ઈન મોસ્કો” એટલે કે વાતચીતનો આગામી દોર મોસ્કોમાં યોજાય. આના પર ટ્રમ્પે સ્મિત સાથે જવાબ આપ્યો, “ઓહ, ધેટ્સ એન ઈન્ટરેસ્ટિંગ વન.”
પ્રેસને સંબોધિત કરતા પુતિને કહ્યું કે અલાસ્કા રશિયા અને અમેરિકાના સમાન ઇતિહાસનો ભાગ છે અને બીજા વિશ્વયુદ્ધમાં બંને દેશોએ એકસાથે દુશ્મનો સામે લડાઈ લડી હતી. તેમણે કહ્યું કે તેઓ ગાઢ પાડોશી છે. પુતિને સ્વીકાર્યું કે છેલ્લાં વર્ષોમાં સંબંધોમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ બંને નેતાઓની આ સામ-સામેની મુલાકાત લાંબા સમયથી જરૂરી હતી.
વાતચીતનું મુખ્ય કેન્દ્ર યુક્રેન રહ્યું
રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વાતચીતનો મોટો ભાગ યુક્રેન પર કેન્દ્રિત હતો. તેમણે કહ્યું કે પરિસ્થિતિને સુધારવી જરૂરી છે અને ટ્રમ્પની એવી ઈચ્છાની પ્રશંસા કરી કે તેઓ સંઘર્ષના મૂળ કારણને સમજવા માંગે છે. પુતિને આશા વ્યક્ત કરી કે જે સહમતિ બની છે, તે યુક્રેનમાં શાંતિનો માર્ગ બનાવશે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા પ્રામાણિકતાથી યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે.
પુતિને એમ પણ કહ્યું કે આર્કટિક ક્ષેત્રમાં રશિયા-અમેરિકાનો સહયોગ શક્ય છે અને બંને દેશો વચ્ચે વ્યાપારી રોકાણની મોટી સંભાવનાઓ છે. તેમણે દાવો કર્યો કે જો ૨૦૨૨માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો આ સંઘર્ષ ક્યારેય શરૂ થયો ન હોત. વાતચીત દરમિયાન ટ્રમ્પના “મૈત્રીપૂર્ણ અને વિશ્વાસપાત્ર” વલણ માટે પુતિને તેમનો આભાર પણ માન્યો.
હવે ટ્રમ્પ નાટો અને ઝેલેન્સ્કી સાથે વાત કરશે
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ જલ્દી જ નાટો અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરશે. તેમણે જણાવ્યું કે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર સહમતિ બની છે, જોકે એક મોટો મુદ્દો હજુ બાકી છે. ટ્રમ્પના મતે, “કોઈ સોદો ત્યાં સુધી થતો નથી જ્યાં સુધી આખો સોદો ન થાય.” તેમણે કહ્યું કે પુતિન હવે લોકોને મરતા જોવા માંગતા નથી અને માત્ર અમુક મુદ્દાઓ ઉકેલવાના બાકી છે.
બંને નેતાઓએ એવો સંકેત આપ્યો કે યુક્રેન સંકટ પર આગળ વધુ વાટાઘાટો ચાલુ રહેશે. પ્રેસ કોન્ફરન્સનો અંત પુતિન દ્વારા ટ્રમ્પને અંગ્રેજીમાં અપાયેલા આમંત્રણ, “નેક્સ્ટ ટાઈમ ઈન મોસ્કો”, થી થયો.
રશિયાએ ભારત જેવો મોટો ગ્રાહક ગુમાવ્યો
ટ્રમ્પે કહ્યું કે રશિયાએ તેના તેલનો એક મોટો ગ્રાહક ગુમાવ્યો છે, અને તે ભારત હતું. ટ્રમ્પના મતે, ભારત રશિયા સાથે લગભગ 40 ટકા તેલ વેપાર કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે જો તેઓ હવે ગૌણ પ્રતિબંધો લાદે છે, તો તે તેમના માટે ખૂબ જ વિનાશક સાબિત થશે.