ડીએમડીકે પાર્ટીના સ્થાપક વિજયકાંત કોરોના પોઝીટીવ આવતા તેઓને ચેન્નાઈની એમઆઈઓટી હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.
તેમના નિધન બાદ હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે,અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયકાંતનું આજે ગુરૂવારે નિધન થયું છે.
તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં કોરોના પોઝીટીવ આવતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈએ હોસ્પિટલના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.

અભિનેતા વિજયકાંતે 2005માં દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ પાર્ટીની રચના કરી હતી. ડીએમડીકે 2011 થી 2016 સુધી તમિલનાડુમાં મુખ્ય વિરોધ પક્ષ હતો અને વિજયકાંત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.

  • 2006માં વિજયકાંતની પાર્ટી DMDKએ તમિલનાડુની તમામ 234 સીટો પર ચૂંટણી લડી હતી. પરંતુ વિજયકાંત એકલા હાથે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. બાકીની તમામ બેઠકો પર તેમની પાર્ટીના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ ચૂંટણીમાં તેમની પાર્ટીને 8.38% વોટ મળ્યા હતા.
  • 2009ની લોકસભા ચૂંટણીમાં વિજયકાંતની પાર્ટી સાથે પણ આવી જ સ્થિતિ બની હતી, જ્યારે પાર્ટીએ રાજ્યની 40માંથી 39 લોકસભા સીટ પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ સીટ જીતી ન હતી. આ બંને ચૂંટણીમાં વિજયકાંતની પાર્ટીએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કર્યું ન હતું.
  • 2011માં વિજયકાંતની પાર્ટીએ 41 સીટો પર ચૂંટણી લડી હતી અને 29 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં DMDK જયલલિતાની પાર્ટી (AIADMK) પછી બીજી પાર્ટી તરીકે ઉભરી આવી, વિજયકાંત વિપક્ષના નેતા બન્યા. જો કે, આ પછી તેમની પાર્ટી 2016 અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ સીટ જીતવામાં સફળ રહી શકી નથી. એ જ રીતે, 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં, DMDK એક પણ બેઠક જીતવામાં સફળ થઈ શકી ન હતી.