ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી

કર્ણાટકનો રાજકીય ડ્રામા હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદને લઈને અડગ છે.

દરમિયાન પક્ષમાં અઢી વર્ષની ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે પણ આ અંગે શરત વ્યક્ત કરી છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારનું કહેવું છે કે જો સામાન્ય સમજૂતી હોય તો પણ પ્રથમ અઢી વર્ષની મુદત મને આપવી જોઈએ જ્યારે બીજી સિદ્ધારમૈયાને. ડીકે શિવકુમાર કહે છે કે મને પહેલી ટર્મ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. એ પરિસ્થિતિમાં પણ હું મૌન રહીશ.

કોંગ્રેસ હાઈકમાન્ડ જ લેશે નિર્ણય
ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક મળશે અને ત્યાર બાદ જ નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવશે.

શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ
દરમિયાન, કર્ણાટકના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે બેંગલુરુમાં તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓ બેંગલુરુમાં શ્રી કાંતિરવા આઉટડોર સ્ટેડિયમનું નિરીક્ષણ કરે છે, જ્યાં નવી કર્ણાટક સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે.

“આગામી 48-72 કલાકમાં નામ જાહેર કરવામાં આવશે”
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી અંગે જે પણ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રીના નામે ચાલતા સમાચારો અને અફવાઓ પર ધ્યાન ન આપો. ખડગે સાહેબ વતી જાહેરાત કરવામાં આવશે. આગામી 48-72 કલાકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. હાઈકમાન્ડની દેખરેખ હેઠળ પાર્ટીમાં મુખ્યમંત્રીના નામની ચર્ચા સતત ચાલી રહી છે.