IPL 2024 મેચ ક્રિકેટ રસિયાઓ માટે ખૂબજ ઉત્સુકતા સભર બની રહી છે ત્યારે હાલ સીઝનની 30મી મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ તે વખતે મેચમાં આ સિઝનની સૌથી લાંબા છગ્ગાનો રેકોર્ડ તોડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈતિહાસ રચી દીધો છે.
દિનેશે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 108 મીટર લાંબી સિક્સ ફટકારતા ક્રિકેટ રસિયાઓ ઝૂમી ઉઠ્યા હતા. આ સિઝનની આ સૌથી લાંબી સિક્સ હોવાનું મનાય છે.

16મી ઓવરના પહેલા બોલ પર દિનેશ કાર્તિકે ટી ​​નટરાજનને ડીપ મિડ-વિકેટ તરફ 108 મીટર સ્કાયસ્ક્રેપર આ સિક્સર ફટકારી હતી, જેનો વીડિયો ક્રિકેટ રસિયાઓની દુનિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 287 રનનો સ્કોર બનાવ્યો હતો,જેની સામે RCBની ટીમ પણ 20 ઓવરમાં 262 રન કરવામાં સફળ રહી હતી, જેમાં દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રન ફટકારી હંગામો મચાવી દીધો હતો જેમાં દીનેશે 7 સિક્સર ફટકારી હતી, જેમાંથી એક હવે આ સિઝનની સૌથી લાંબી સિક્સર બની ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની ઇનિંગ દરમિયાન, હેનરિક ક્લાસેને 106 મીટર લાંબો સિક્સ ફટકારી હતી પણ માત્ર 2 કલાક બાદ દીનેશે 108 મીટર લાંબી સિક્સ ફટકારી હેનરીકનો રેકોર્ડ તોડ્યો હતો. જે આઇપીએલ 2024ની સૌથી લાંબો સિક્સ બની હતી.
કાર્તિકે RCBની ઇનિંગ દરમિયાન એ જ મેચમાં સૌથી લાંબી સિક્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
મહત્વનું છે કે કાર્તિકે આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 
ડીકેની આ ઈનિંગ IPLના ઈતિહાસમાં નંબર 6 બેટ્સમેનની ત્રીજી સૌથી મોટી ઈનિંગ છે. IPLમાં છઠ્ઠા નંબર પર સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. આ સાથે જ હાર્દિક પંડ્યા બીજા નંબર પર રહેવા પામ્યા છે.
દરમિયાન આઈપીએલ ક્રિકેટ જગતમાં બે ખેલાડીઓની સૌથી લાંબી સિક્સ અને 2 કલાકમાં રેકોર્ડ તૂટવા અંગેની વાતો આખો દિવસ છવાયેલી જોવા મળી હતી.