અશ્વિનની બાદબાકીથી પૂર્વ ખેલાડીઓ નારાજ

@Icc

અમિત શાહ, નમસ્કાર ગુજરાત ન્યુઝ. ઑવલ, લંડન

વર્લ્ડ ટેસ્ટ ચેંપિયન્શીપના પ્રથમ દિવસે નંબર વન ટીમ ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે. એવામાં ટીમ ઇંડીયાના પ્લેઇંગ ઇલેવનના નિર્ણયને લઇને પૂર્વ ખેલાડીઓ નારાજ છે. ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટન અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ને ટીમમાં સામેલ ન કરવા બદ્દલ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગાંગુલીની સાથે સાથે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર પણ અશ્વિનને રમાડવાની ભલામણ કરતાં જોવા મળ્યા.

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરેલ ટીમ ઇંડીયા એ પોતાની ટીમ સિલેક્શનમાં ભૂલ કરી હોવાનું ક્રિકેટના મહાનુભાવો માને છે. પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી જણાવે છે “ચાર પેસ બોલરની બદલે ટીમ ઇંડીયાએ બે સ્પિનર સાથે ઑવલમાં રમવાની જરૂર હતી. ઑસ્ટ્રેલિયા ટીમમાં ચાર લેફ્ટી બેટ્સમેનો છે અને તેમની સામે અશ્વિનનો દેખાવ નિરંતર સારો રહ્યો છે. એવામાં તમે કઇ રીતે અશ્વિનને ટીમમાંથી બહાર રાખી શકો? જો હું કેપ્ટન હોત તો અશ્વિનને ટીમમાં જરૂર સામેલ કરત.” ગાંગુલીના મતે ઉમેશ યાદવ ના સ્થાને અશ્વિનનો ટીમમાં સમાવેશ થવો જોઇતો હતો.

ઑવલની પિચ પહેલા દિવસથી સારો એવો બાઉન્સ જોવા મળી રહ્યો છે. એવામાં અશ્વિનના વેરીએશન ઑસ્ટ્રેલિયાની બેટ્સમેનોને પરેશાન કરી શકત એવો મત ગાંગુલીએ માંડ્યો હતો. અશ્વિને ૯૨ ટેસ્ટમાં ૪૭૪ વિકેટો લીધી છે. છેલ્લાં બે વર્ષોમાં અશ્વિન ભારત માટે સફળ સ્પિન બોલર તરીકે સાબિત થયો છે.

બીજી તરફ લિટલ માસ્તર સુનિલ ગાવસ્કર પણ ગાંગુલીના મતને સમર્થન આપતાં કહે છે કે “ઉમેશ યાદવ આઇપીએલમાં ઇજાને કારણે બોલિંગ કરી શક્યો ન હતો. એવામાં ટીમ ઇંડીયાએ તેની બેસ્ટ બોલરને ટીમમાં સ્થાન આપવું અનિવાર્ય હતું. ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય છે. પહેલા સત્રની કંડીશન જોઇને તમે પ્લેઇંગ ઇલેવન નક્કી ના કરી શકો. દિવસ આગળ વધતાં પિચ ડ્રાય થશે અને તેમાં વધુ બાઉન્સ જોવા મળશે. એવામાં અશ્વિનની હાઇટ અને બોલિંગમાં વેરીએશનનો લાભ ટીમ ઇંડીયાને મળી શકત. ટીમ ઇંડીયાએ ભૂલવુ ના જોઇએ કે આ મેદાન પર તેમને ચોથી ઇનિંગમાં બેટીંગ કરવાની છે. એવામાં અશ્વિન જો વિપક્ષી ટીમને બીજી ઇનિંગમાં સસ્તામાં આઉટ કરી દે તો ભારત માટે ટેસ્ટ જીતવાના પ્રબળ ચાન્સ બની જાય છે.”

આ બન્ને પૂર્વ સુકાનીની સાથે પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહે પણ અશ્વિનને ઑવલ ટેસ્ટમાં રમાડવાની ભલામણ કરતાં નજરે પડ્યાં હતા. માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનમાંના એક રિકી પોન્ટિંગ એ પણ ભારતીય ટીમ મેનેજમેન્ટની ટીકા કરી હતી. આ મોટી ભૂલ કરી છે.