ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વર્તમાન કેપ્ટન છે. ધોનીની ટીમની માલિકી ધરાવતી કંપનીએ તમિલનાડુની ‘ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ’ એટલે કે AIADMKને ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા આપ્યા છે.
ધ હિંદુના રિપોર્ટ અનુસાર, AIADMKને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 6.05 કરોડ રૂપિયા મળ્યા છે. આમાંથી મોટા ભાગના પૈસા ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના ડિરેક્ટર) પાસેથી આવ્યા હતા.
‘ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ’ એ બે દિવસમાં AIADMKને 5 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું. આ પૈસા 2019માં 2 થી 4 એપ્રિલની વચ્ચે આપવામાં આવ્યા હતા. જો કે આ પછી પાર્ટીને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કોઈ પૈસા મળ્યા નથી. ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવ સાથે શેર કરેલી માહિતી અનુસાર, પાર્ટીને કોઈમ્બતુર સ્થિત લક્ષ્મી મશીન વર્ક્સ લિમિટેડ પાસેથી 1 કરોડ રૂપિયા અને ચેન્નાઈ સ્થિત ગોપાલ શ્રીનિવાસન પાસેથી 5 લાખ રૂપિયા રાજકીય દાન તરીકે મળ્યા છે.
તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે. ડીએમકેને ચૂંટણી બોન્ડ દ્વારા 656.6 કરોડ રૂપિયા મળ્યા છે. ડીએમકેએ કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા 656.6 કરોડ રૂપિયામાંથી તેને ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ દ્વારા 509 કરોડ રૂપિયા મળ્યા છે. ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ તરફથી મળેલા દાનનો હિસ્સો DMK દ્વારા મળેલા કુલ રાજકીય દાનમાં 77 ટકાથી વધુ છે. આ કંપનીના માલિક સેન્ટિયાગો માર્ટિન પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ હેઠળ છે.