ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની કપ્તાની હેઠળ પાંચ વખત IPL ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.
આ બીજી વખત છે જ્યારે માહીએ આ ટીમની કેપ્ટન્સી છોડી છે.
ધોની બાદ રુતુરાજ ગાયકવાડ આ સિઝનમાં CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

આઈપીએલમાં કેપ્ટનના ફોટો શૂટ દરમિયાન ધોનીના સ્થાને ટ્રોફી સાથે ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યો હતો.
આ પછી આઈપીએલના ટ્વિટર હેન્ડલથી જાહેરાત કરાઇ કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઇ સુપર કિંગ્સનો નવો કેપ્ટન છે. રૂતુરાજ ગાયકવાડ આઈપીએલમાં સીએસકેનો ચોથો કેપ્ટન બન્યો છે. આ પહેલા ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા આ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.
IPL 2024 22 માર્ચથી શરૂ થશે અને તેના એક દિવસ પહેલા જ ધોનીએ મોટો નિર્ણય લીધો અને ટીમની કેપ્ટન્સી છોડી દીધી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ 22 માર્ચે ચેન્નાઈમાં RCB સામે રમવાની છે.
વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જોકે આ સિઝનમાં CSKનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહેલા ધોનીએ વર્ષ 2023માં આ ટીમને પાંચમી વખત ચેમ્પિયન બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે આ વખતે પણ CSK તેની કપ્તાનીમાં મોટો ધમાકો કરી શકે છે, પરંતુ આ લીગની શરૂઆત પહેલા જ ધોનીએ એક મોટું પગલું ભર્યું અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઋતુરાજને ટીમની કમાન સોંપવામાં આવી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ધોનીએ સોશિયલ મીડિયા પર એક મેસેજ આપ્યો હતો અને લખ્યું હતું કે આ વખતે તમે તેને એક નવી ભૂમિકામાં જોઈ શકો છો અને તેણે આ નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા અને ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ વખતે ધોની CSK માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે અને ઋતુરાજ તેની દેખરેખ હેઠળ આ જવાબદારી સંભાળશે. ધોનીના આ મોટા નિર્ણય બાદ IPLમાં તેના યુગનો અંત આવ્યો, કારણ કે 42 વર્ષની ઉંમરે ધોની ફરીથી કેપ્ટન બને તેવી શક્યતા ઓછી છે.

IPLમાં કેપ્ટન તરીકે ધોનીની સફરની વાત કરીએ તો, તેણે આ લીગમાં કુલ 226 મેચોમાં કેપ્ટનશિપ કરી અને તેમાંથી તેણે 133 મેચ જીતી અને 91 મેચ હારી. મેચો જીતવાના મામલે ધોની IPLનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ 2010, 2011, 2018, 2021, 2023માં પોતાની કપ્તાની હેઠળ CSK ટીમને ચેમ્પિયન બનાવી હતી અને તે રોહિત શર્માની સાથે આ લીગમાં સૌથી સફળ કેપ્ટન હતો. IPLમાં ધોનીની કેપ્ટનશિપ જોહાનિસબર્ગમાં શરૂ થઈ હતી અને તે આ લીગમાં ભારતીય કેપ્ટન તરીકે ટાઈટલ જીતનાર પ્રથમ ખેલાડી હતો. જો કે ધોનીએ CSK ની કેપ્ટનશીપ છોડ્યા બાદ એ સવાલ પણ ઉઠવા લાગ્યા છે કે શું આ તેની છેલ્લી સિઝન હશે.