ત્રણ વર્ષથી ખાલી પ્રમુખપદનું સ્થાન આખરે ભરાયું, જીસીએની સાધારણ સભામાં નવા હોદ્દેદારોની વરણી, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સુરતના હેમંત કોન્ટ્રાક્ટર, મયુર પટેલની જોઇન્ટ સેક્રેટરી તરીકે વરણી, ભરત ઝવેરી ટ્રેઝરર તરીકે યથાવત્

ડાબેથી ભરતભાઇ ઝવેરી, ધનરાજ નથવાણી, BCCI સેક્રેટરી જય શાહ, અનિલ પટેલ, હેમંત કોન્ટ્રાક્ટર અને મયુર પટેલ.

કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ. અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને આખરે નવા પ્રમુખ મળી ગયા છે. ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા પ્રમુખ બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું પ્રમુખપદ ખાલી હતું. જોકે આજે યોજાયેલી 86મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન ધનરાજ નથવાણીની પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ તરફ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને નવા વાઇસ પ્રેસિડેન્ટ પણ મળ્યા છે. ચૂંટણી અધિકારી વરેશ સિંહાની હાજરીમાં યોજાયેલી ચૂંટણી બિનહરીફ રહી હતી.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની આજે મળેલી બેઠક દરમિયાન ધનરાજ નથવાણીની સાથે નવી ટીમની પણ રચના કરવામાં આવી છે જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સુરતના હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરીપદે અનિલ પટેલ, મયુર પટેલની જોઇન્ટ સેક્રેટરી તરીકે તથા ભરત ઝવેરીની ટ્રેઝરર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ બેઠક દરમિયાન બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકો 2022થી 2025 સુધીની ત્રણ વર્ષની ટર્મ તરીકે પોતાના પદ પર યથાવત્ રહેશે.

પ્રમુખ બન્યા બાદ ધનરાજ નથવાણીએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યના ક્રિકેટને વધુ ડેવલોપ કરવા માટે નવી ટીમ સાથે તેઓ અથાગ મહેનત કરશે. પ્રમુખ તરીકેનું સન્માન મળવું તે સન્માન અને ગર્વની વાત છે. હું જય શાહ સહિત સમગ્ર જીસીએ પરિવારનો આભારી છું. આ તરફ જય શાહે નવા પ્રમુખનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે ધનરાજ નથવાણી અગાઉ જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પદે બિરાજમાન હતા જ્યારે તેમના પિતા અને રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણીએ લોઢા કમિટીના લાગુ થયા બાદ જીસીએના ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે ધનરાજ નથવાણીની દેખરેખ હેઠળ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આખરી ઓપ અપાયો હતો. અગાઉ GCAના પૂર્વ પ્રેસિડેન્ટ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી , બીસીસીઆઇ સેક્રેટરી જય શાહની ખૂબ જ મહેનત અને લગનથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું 90 ટકા સુધીનું બાંધકામ પૂર્ણ થયું હતુ.

આ પહેલાસપ્ટેમ્બર 2008 થી 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યારબાદ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ જીસીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ અમિત શાહે નવા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. પરંતુ તેમણે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીપદ સંભળાવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે જીસીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ પ્રમુખ પદ ખાલી રહ્યું હતું અને લોઢા કમિટીના લાગુ થયા બાદ પરિમલભાઇ નથવાણીએ પણ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે લોઢા કમિટીની ગાઇડલાઇન પ્રમાણે કોઇપણ ઓફિસ બેરર એસોસિયેશનમાં નવ વર્ષ સુધી વિવિધ પદે રહી શકે છે.