ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આજે મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર ઠંડીની સાથે હળવું ધુમ્મસ પણ જોવા મળ્યું હતું.
દિલ્હી અને કાશ્મીરથી લઈને દક્ષિણમાં તેલંગાણા અને દક્ષિણ-પૂર્વમાં ઓડિશા સુધીના 11 રાજ્યોમાં ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. વિઝિબિલિટીમાં ઘટાડો થવાને કારણે રોડ, રેલ અને એર ટ્રાફિકને પણ વ્યાપક અસર થઈ હતી.
ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીથી આઠ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતા જુદા જુદા બનાવમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે ગયો હતો અને પહેલગામ ત્યાં સૌથી ઠંડું રહ્યું હતું.
રાષ્ટ્રીય રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 8:30 વાગ્યે વિઝિબિલિટી શૂન્ય રહી હતી પણ પછી પરિસ્થિતિમાં થોડો સુધારો થયો અને દૃશ્યતા 125 થી વધીને 175 મીટર થઈ હતી જેના કારણે ઘણી ફ્લાઇટમાં વિલંબ થયો હતો.
સાત ફ્લાઇટને જયપુર અને એક અમદાવાદ મોકલવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને મુસાફરોને તેમની ફ્લાઈટ પકડવા જતા પહેલા સુધારેલ સમયપત્રક તપાસવાની સલાહ આપી છે.
આગ્રા, પ્રયાગરાજ અને ગ્વાલિયર સહિત રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે સવારે 8 વાગ્યે વિઝિબિલિટી શૂન્ય હતી. તે જ સમયે, સવારે 5 વાગ્યે વારાણસીમાં 200 મીટર અને લખનૌ, સતના, પટના અને નાગપુરમાં 500 મીટર પર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. એનસીઆરમાં પણ વિઝિબિલિટી 500 મીટરથી ઓછી રહી.
–ધુમ્મસના કારણે અકસ્માત થયા જેમાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
ધુમ્મસના કારણે ઉત્તર પ્રદેશના હાપુડમાં નેશનલ હાઈવે પર એક પછી એક 18 વાહનો અથડાયા હતા. અનેક વાહનોને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ છે. જેના કારણે હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો.
હાથરસમાં પણ આઠ વાહનો વચ્ચે અથડામણમાં 28 લોકો ઘાયલ થયા છે.
ઝાંસીમાં ત્રણ વાહનો અથડાયા. ટુરિસ્ટ બસ ટ્રક સાથે અથડાતા બેના મોત થયા હતા. 15 ઘાયલ છે.
રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં ત્રણ, પંજાબમાં બે અને તેલંગાણામાં નવના મોત થયા છે.
હરિયાણામાં ધુમ્મસના કારણે પાંચ અકસ્માતોમાં ત્રણના મોત થયા છે. જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા.
હજુ બે દિવસ ગાઢ ધુમ્મસ રહેશે
પંજાબના ભટિંડામાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી.
હરિયાણાના રોહતકમાં 6.4 ડિગ્રી અને નારનૌલ, ફતેહાબાદ, સિરસામાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.
હજુ સુધી ધુમ્મસમાંથી રાહત મળી નથી. હવામાન વિભાગે હજુ બે દિવસ ગાઢ ધુમ્મસ રહેવાની ચેતવણી આપી છે