જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફી કરશે ભૂપેન્દ્ર પટેલ સરકાર, આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત લાભ અપાશે

રાહત પેકેજ યોજનાનો લાભ મેળવી ૬પ હજાર જેટલા લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ (Gujarat Housing board) તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુરુ પૂર્ણિમા ,તારીખ ૧૩ જુલાઇ ૨૦૨૨ થી ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા.૦૧/૦૭/૨૦૨૨ની સ્થિતીએ બાકી હપ્તા પર ૯૦ દિવસ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી પેટે અંદાજે રૂ. ૭૬૮.૯ર કરોડની માફી આપવામાં આવશે

જે લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યાથી ૯૦ દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઇ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ ઉપર ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. આ રાહત પેકેજ યોજનામાં જોડાવાથી ૬૪,૯૯ર જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકશે. એટલું જ નહિ, ૯૦ દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

લાભાર્થીઓને દસ્તાવેજ કરાવવા અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડની વેબસાઇટ http://www.gujarathousingboard.gujarat.gov.in પર ફોર્મ ઉપલબ્ધ છે, તેમજ વેબસાઇટ પર આપેલ મોબાઇલ નંબરથી પણ પ્રજાજનોને માહિતી ઉપલબ્ધ થઇ શકશે. મુખ્યમંત્રી પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે તેમજ આ પેકેજ યોજનામાં જોડાયેથી મકાન ધારકને માલિકી હક્ક પ્રાપ્ત થશે. આના પરિણામે દસ્તાવેજ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં રી-ડેવલપમેન્ટ યોજનાઓ વધુ વેગપૂર્વક કાર્યાન્વિત થઇ શકશે.