સાંજે 4.30 કલાકે માઉન્ટ રોસ્કિલમાં લૂંટની ઘટના, ઓનરની પત્ની અને ગ્રાહકને ઇજા પહોંચી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ન્યુઝીલેન્ડમાં ડેરી શોપ પર થઇ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યા, આ વખતે ઓકલેન્ડના માઉન્ટ રોસ્કિલ ખાતેની જ્યોતિસ ડેરી શોપ પર લૂંટારૂઓ ત્રાટક્યા છે જેમાં ડેરી ઓનર્સની પત્ની તથા એક કસ્ટમર ગંભીર રીતે ઘાયલ થયા છે. ડેરી શોપના ઓનર્સ જયંતિ પટેલે જણાવ્યું હતું કે તેમના પત્નીને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. પોલીસને સમગ્ર ઘટનાની સાંજે 4.30 કલાકે જાણ કરવામાં આવી હતી.
જયંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે ડેરી શોપના તેઓ 15 વર્ષથી ઓનર છે પરંતુ આ પ્રકારે ક્યારે હુમલો નથી થયો, લૂંટની ઘટના જરૂર બની છે પરંતુ આ વખતે સમગ્ર ઘટના વધુ ભયજનક હતી. લૂંટારુઓ કેશ અને ટોબેકો લઇને ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે બનતી ઘટનાઓ એ બાબતને વર્ણવી રહી છે કે લૂંટારુઓમાં કાયદાનો કોઇ ભય રહ્યો નથી. ઘટનાને પગલે ડેરી શોપમાં લોહીના ડાઘાઓ તથા સામાન વેર વિખેર જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે ગત વર્ષે લૂંટ દરમિયાન સેન્ડ્રીંઘહામની રોઝ કોટેજ ડેરી શોપમાં જનક પટેલની હત્યા કરવામાં આવી હતી અને આજે જ્યાં ઘટના બની છે તે જ્યોતિસ ડેરી શોપ પણ તેનાથી દૂર નથી. પોલીસે આ ઘટનાને જોઈ હોય અથવા તપાસમાં મદદ કરવા માટે માહિતી હોય તેવા કોઈપણ વ્યક્તિએ સંદર્ભ નંબર P055229454 ટાંકીને 105 પર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.