પશ્ચિમ બંગાળમાં આજે સોમવારે ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી રહી છે અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો પરિણામે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે રાત્રે ભારે વરસાદ પડતા ઠેરઠેર વીજળી ગુલ થઈ જવા સાથે ભારે તારાજી જોવા મળી રહી છે અનેક જગ્યાએ કાચા મકાનો ઉપરના છાપરા ઉડી જવા સાથે અનેક વીજ થાંભલા તૂટી ગયા તેમજ સેંકડો વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા.
કોલકાતા શહેરના ઘણા ભાગોમાં હાલ સતત વરસાદ ચાલુ છે.

ચક્રવાત રેમાલ ઉત્તર તરફ અને પછી પૂર્વ તરફ આગળ વધ્યુ છે જેની અસર હેઠળ ભારે વરસાદ પડી રહ્યો છે.
રેમાલ વાવાઝોડાની અગાહીને લઈકોલકાતા એરપોર્ટને અગાઉ રવિવાર બપોરથી જ આગામી 21 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોલકાતાથી ઉડાન ભરનારી લગભગ 394 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
ચક્રવાત રામલની અસર પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ પર પણ જોવા મળી ભારે વરસાદ અને ભારે પવનને કારણે અહીં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે દરમિયાન NDRFની ટીમ સતત કાર્યરત છે અને ચાલુ વરસાદે રસ્તા ઉપર તૂટી પડેલા વૃક્ષો હઠાવવાની કામગીરી હાથ ધરી હતી.

જોકે, સરકારે અગાઉથી વાવાઝોડા અંગે 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. રેલ-રોડ તેમજ હવાઈ પરિવહન પણ બંધ કરાયા છે.
વધુમાં કોઈપણ ઈમર્જન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ અને એનડીઆરએફની 16-16 બટાલીયન દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે.
દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ પણ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરી તંત્રને સ્ટેન્ડબાય રાખ્યું હતું.