IPLની આગામી સિઝનમાં અમદાવાદ ટીમનો પણ થયો છે સમાવેશ, શાસ્ત્રી ઉપરાંત અન્ય સપોર્ટ સ્ટાફને પણ ઓફર થઈ હોવાની અટકળ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
સીવીસી ગ્રૂપ અમદાવાદ આઇપીએલ ટીમની માલિક છે અને આગામી સિઝન માટે બેસ્ટ ટીમ ઉતારવાની તૈયારીઓ પણ શરી કરી દીધી છે. આગામી સિઝન માટેની ખેલાડીઓના ઓક્શન પહેલા સીવીસી કેપિટલ મુખ્ય કોચપદે રવિ શાસ્ત્રીને ઇચ્છી રહ્યું છે અને દુબઇમાં ટી-20 વિશ્વ કપ દરમિયાન રવિ શાસ્ત્રીને તેનો પ્રસ્તાવ પણ અપાઇ ગયો છે.

શું કોચપદે ફરીથી જોવા મળશે રવિ શાસ્ત્રી ?
આ તરફ રવિ શાસ્ત્રીએ નામિબિયા સામેની અંતિમ લીગ મેચ બાદ એવા સંકેત આપ્યા હતા કે તેઓ હવે ફરીથી ટીવી કોમેન્ટટેટર તરીકે આગળ ધપશે. જોકે એવી પણ અટકળોએ જોર પકડ્યું છે કે આગામી આઇપીએલ સાથે બે નવી ટીમોનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદની ટીમની ફ્રેન્ચાઇઝીએ શાસ્ત્રીને કોચ તરીકેની ઓફર કરી છે. જોકે અંતિમ નિર્ણય શાસ્ત્રી પર જ છોડવામાં આવ્યો છે કે તે કોમેન્ટેટર તરીકે આગળ વધશે કે આઇપીએલમાં કોચિંગ પદ સ્વીકારે છે.

શાસ્ત્રીનો સપોર્ટ સ્ટાફ પણ જળવાઇ રહેશે
સીવીસી કેપિટલ્સે રવિ શાસ્ત્રીની સાથે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ તરીકે ફરજ બજાવનારા બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરને પણ અમદાવાદની ટીમની સાથે સપોર્ટ સ્ટાફ તરીકે રહેવા માટેની ઓફર કરી છે.

હિતોના ટકરાવનો મુદ્દો પણ આવી શકે છે
જોકે આઇપીએલમાં કોઈ ટીમ સાથે સંકળાયા બાદ રવિ શાસ્ત્રી બીસીસીઆઈ સાથે કોમેન્ટરીનો સીધો કરાર કરી શકે તેમ નથી કેમ કે ત્યાં હિતોના ટકરાવનો મુદ્દો આવે છે. આમ છતાં તેઓ કોઈ બ્રોડકાસ્ટર સાથે સીધો કરાર કરી શકે છે. જે રીતે હાલમાં વીવીએસ લક્ષ્મણે કરાર કર્યો છે. લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના મેન્ટર હોવા ઉપરાંત ટી20 વર્લ્ડ કપમાં કોમેન્ટરી પણ આપી રહ્યા છે.