બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરીઝ દરમ્યાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતીય ચાહકો માટે ખાસ પ્લાન બનાવ્યો છે જેમાં ભારતીયો માટે ઈન્ડિયા ફેન ઝોન ઉભો કરી એક અલગ રોમાંચક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરાશે,જ્યારે પણ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ટીમ સામે રમવા ઉતરે છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરે પર્થમાં ટેસ્ટ શ્રેણી શરૂ થશે, ત્યારબાદ 6 ડિસેમ્બરે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) સહિત બહુપ્રતીક્ષિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ દરમ્યાન તમામ પાંચ સ્થળોએ ભારતીય ચાહકો માટે ખાસ બેઠક વ્યવસ્થા હશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક આયોજન મુજબ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખાસ ઈન્ડિયા ફેન ઝોન ઉભો કરી રોમાંચક વાતાવરણ બનાવશે.
તેમાં ઉમેર્યું હતું કે ઈન્ડિયા ફેન ઝોન વિશે વધુ વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરે પર્થમાં પુરૂષોની ટેસ્ટ શ્રેણી શરૂ થશે, ત્યારબાદ 6 ડિસેમ્બરે એડિલેડમાં રોમાંચક ડે-નાઈટ ટેસ્ટ રમાશે.
ત્યારબાદ તા.14મી ડિસેમ્બરે ગાબા ખાતે બન્ને ટીમો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટકરાશે, ત્યારબાદ MCG ખાતે બોક્સિંગ ડે ટેસ્ટ રમાશે.
તે પછી 3 જાન્યુઆરીએ SCG ખાતે પિંક ટેસ્ટ સાથે સમાપ્ત થશે.
મહત્વનું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 16 વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ ચુકી છે. તેમાંથી ભારતીય ટીમે 10 વખત અને ઓસ્ટ્રેલિયાએ 5 વખત ટ્રોફી જીતી છે. વર્ષ 2003-04માં રમાયેલી ટ્રોફી 1-1થી ડ્રો રહી હતી.
ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે અત્યાર સુધીમાં 7 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચૂકી છે.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ 4 વખત અને ભારત 2 વખત જીત્યું છે. જયારે 1 સીરિઝ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાને તેમના ઘરઆંગણે હરાવવું સરળ નહીં હોય. જો કે સારી વાત એ છે કે ભારતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી 2 બોર્ડર-ગાવસ્કર સીરિઝ (2018-19, 2020-21) જીતી છે. જ્યારે 2022-23 ભારતમાં રમાઈ હતી અને ભારતે તેને 2-1થી જીતી હતી.
ટેસ્ટ ટીમો માટેની ICC રેન્કિંગ તાજેતરમાં અપડેટ કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાએ 124 રેટિંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ભારત 120 રેટિંગ સાથે બીજા સ્થાને છે.
ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.