ભારતના વિદેશી મુદ્રા ભંડાર સતત રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે અને એકજ સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં 24 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
મહત્વની વાત તો એ છે કે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત છઠ્ઠા સપ્તાહે વધારો નોંધાયો છે અને ફોરેક્સ રિઝર્વમાં 29 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે.
મહત્વનું છે કે તા.29 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડાર 2.95 અબજ ડોલર (રૂ. 24 હજાર કરોડથી વધુના વધારા) સાથે 645.58 અબજ ડોલર પર પહોંચી ગયું છે. જે એક રેકોર્ડ કહી શકાય.
ફોરેક્સ રિઝર્વે સતત બીજા અઠવાડિયે લાઇફ ટાઇમ હાઇનો રેકોર્ડ બનાવ્યો છે. આ સતત છઠ્ઠું સપ્તાહ છે જ્યારે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જોવા મળ્યો છે.
આ અગાઉ એક સપ્તાહ પહેલા દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 140 મિલિયન ડોલર વધીને 642.63 અબજ ડોલર થયો હતો.
સપ્ટેમ્બર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર $642.45 બિલિયનની ટોચે પહોંચી ગયો હતો પરંતુ વૈશ્વિક ગતિવિધિઓના બદલાવ વચ્ચે સેન્ટ્રલ બેંકે રૂપિયાના ઘટાડાને રોકવા માટે મૂડી અનામતનો ઉપયોગ કરતા કરન્સી રિઝર્વમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
છેલ્લા 6 સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં $29.48 બિલિયનનો વધારો જોવા મળ્યો છે.
જો આ વધારાની રૂપિયામાં વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ મહિનામાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.45 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે.
રિઝર્વ બેંકના ડેટા મુજબ, તા.29 માર્ચે પૂર્ણ થયેલા સપ્તાહમાં ચલણ ભંડારની મહત્વપૂર્ણ ગણાતી વિદેશી ચલણ સંપત્તિ $ 2.35 બિલિયન વધીને $ 570.61 બિલિયન થઈ ગઈ છે. ડૉલરના સંદર્ભમાં ઉલ્લેખિત કરાયેલ વિદેશી ચલણ એસેટ્સમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરનો સમાવેશ થાય છે.
રિઝર્વ બેંકના સુત્રોનું કહેવું છે કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય $673 મિલિયન વધીને $52.16 બિલિયન થયું છે. રિઝર્વ બેંકે કહ્યું કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) $73 મિલિયન ઘટીને $18.14 બિલિયન થઈ ગયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે ભારતની અનામત થાપણો પણ સમીક્ષા હેઠળના સપ્તાહમાં $2 મિલિયન ઘટીને $4.66 બિલિયન થઈ હોવાનું રિઝર્વ બેંકના સૂત્રોએ ઉમેર્યુ હતું.