દેશમાં ખૂબજ ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે અને છેલ્લા પાંચ સપ્તાહથી પ્રસરી રહેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં કોરોનાનું નવું વેરીએન્ટ JN.1 જોવા મળી રહ્યું છે. આ એજ કોરોનાનું નવું વેરીએન્ટ છે જે 40થી વધુ દેશોમાં ખૂબજ ઝડપથી પ્રસરી રહ્યું છે.
ભારતના 11 રાજ્યોમાં કોરોના ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
છેલ્લા એક સપ્તાહમાં જીનોમ સિક્વન્સિંગ માટે આવેલા દર્દીઓના તમામ સેમ્પલમાં આ નવું સબ-ફોર્મ જોવા મળ્યું છે.
INSACOG સિવાય નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ સ્વાસ્થ્ય મંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે જેમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ભારતના જીનોમિક્સ કન્સોર્ટિયમ એટલેકે INSACOG દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સુપરત કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ગયા મહિને નવેમ્બરમાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પ્રથમ ચાર JN.1 સંક્રમિત કેસ સામે આવ્યા હતા, પરંતુ આ મહિને આ ફોર્મ 17 દર્દીઓમાં જોવા મળ્યું હતું. કુલ આઠ નમૂનાઓના જિનોમ સિક્વન્સિંગમાં, તમામ JN.1 થી સંક્રમિત જણાયા હતા, જ્યારે અગાઉના સપ્તાહમાં તે 20 ટકા અને 50 ટકા નમૂનાઓમાં જોવા મળ્યા હતા.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR), નવી દિલ્હીના ચેપી રોગ વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. સમીરન પાંડા કહે છે કે JN.1 સબટાઇપનું R મૂલ્ય ઓમિક્રોન કરતાં વધારે જોવા મળે છે. આનો અર્થ એ થયો કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં પણ ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દૃષ્ટિએ તે અગાઉના વર્ષોની જેમ મજબૂત નથી. તે જ સમયે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે JN.1 સબ-ફોર્મને લગતા ઘણા તબીબી અભ્યાસો પ્રકાશમાં આવ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તે ખૂબ ગંભીર સ્વરૂપ નથી, પરંતુ તે ચોક્કસપણે લોકોમાં ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે.
પરિણામે,કોરોના ઝડપથી ફેલાઈ રહયો છે ત્યારે તે ગંભીર બને તે પહેલાં લોકોએ પણ જાતેજ અમુક કાળજી રાખવી પડશે અને માસ્ક,સોશ્યલ ડિસ્ટબન,હાથ ધોવા જેવી અગાઉની રીત ફરીથી અપનાવવી પડશે તેમ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.