ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના સંઘ અને ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું આર.આર.એસ. અંગ્રેજો પાસેથી પૈસા મેળવતા હતા
ભારત જોડો યાત્રાના 31મા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. કોંગ્રેસ અને તેના નેતાઓ આઝાદી માટે લડ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહર લાલ નેહરુએ દેશ માટે પોતાનો જીવ આપ્યો, પરંતુ જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી RSS અંગ્રેજોને મદદ કરી રહ્યું હતું અને સાવરકર અંગ્રેજો પાસેથી પૈસા મેળવતા હતા.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી ભારત જોડો યાત્રા ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવેલી હિંસા અને નફરત વિરુદ્ધ છે. અમે ભારતને જોડવાનું નક્કી કર્યું છે. પીએફઆઈના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે અને તે કયા સમુદાયમાંથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. નફરત અને હિંસા ફેલાવવી એ દેશ વિરોધી કૃત્ય છે અને અમે આવા લોકો સામે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે બંધારણમાં વિશ્વાસ રાખે છે.
ગેહલોત સરકારે અદાણીને પ્રાધાન્ય આપ્યું ન હતું
કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં રોકાણ પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઉઠાવેલા સવાલો પર રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ઉદ્યોગપતિઓની વિરુદ્ધ નથી, હું એકાધિકારનો વિરોધ કરું છું. જો રાજસ્થાન સરકાર ખોટી રીતે અદાણીને બિઝનેસ આપે છે તો હું તેનો પણ વિરોધ કરીશ. તેમણે કહ્યું કે, ગૌતમ અદાણીએ રાજસ્થાનને રૂ. 60,000 કરોડની ઓફર કરી હતી, કોઈપણ મુખ્યમંત્રી આવી ઓફરને નકારશે નહીં, પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રીએ અદાણીને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી અને પોતાની રાજકીય શક્તિનો દુરુપયોગ કર્યો નથી.