સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સરકારની આંખોમાં ધૂળ નાખી ધમધમી રહેલી સિંચાઈ વિભાગની પાંચ નકલી કચેરીઓ ઝડપાઇ જવા સાથે રૂ. 22 કરોડ થી વધુનું કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનાતા અને સાત મહિનાથી જેલમાં બંધ સંદીપ રાજપૂતનુ અચાનક મોત થઈ જવાની ઘટનાએ ભારે સનસનાટી મચાવી છે..

જે રીતે સામે વિગતો આવી રહી છે તેમાં આ કૌભાંડ અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં બંધ સંદીપ રાજપૂત બુધવારે જેલ સત્તાવાળાઓને પોતાને અચાનક છાતીમાં ગભરામણ થયાની ફરિયાદ કરે છે એટલે પોલીસ તેને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જાય છે,જ્યાં લગભગ અડધો કલાકની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિણામે એસડીએમ,પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને સંદીપ રાજપૂતની લાશનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાનું નક્કી થતાં મૃતકના પરિવારજનોની હાજરીમાં વડોદરા રવાના કરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નકલી સરકારી કચેરી કાંડ પ્રકરણમાં તે છેલ્લા 7 મહિનાથી જેલમાં બંધ હતો,ગત વર્ષે ઓક્ટોબરમાં છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સંદીપ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બરમાં પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ ન્યાયિક કસ્ટડીમાં રહેલા રાજપૂતને મોડી રાત્રે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, આ મેટર ભારે ચર્ચાસ્પદ બની છે.

આ ચકચારી પ્રકરણમાં મુખ્ય આરોપીના મોતથી સમગ્ર કેસ પર ગંભીર પ્રકારની અસર પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

રાજ્યમાં આખે આખી નકલી કચેરી ઉભી કરવાના પ્રકરણનો જ્યારે પર્દાફાશ થયો ત્યારે સરકારની ભારે ફજેતી થઈ હતી અને સિસ્ટમમાં કેટલી હદે લાલીયાવાડી ચાલે છે તેની પોલ ખુલી પડી હતી.

દરમિયાન, તંત્રને અંધારામાં રાખી માસ્ટર માઇન્ડ ઠગ લોકોએ બોગસ સરકારી કચેરી હેઠળ દાહોદ અને ઝાલોદમાં 100 જેટલા વિકાસ કામો મંજૂર કરાવીને 18,59,96,774 રૂપિયા જેટલી રકમની ગ્રાન્ટ મેળવી લીધી હતી હોવાની વાત સામે આવી હતી.

આ કેસમાંપોલીસે સૌ પ્રથમ સંદીપ રાજપૂતની ધરપકડ કરી હતી ત્યારબાદ અબુ બકર તથા બીજા આરોપીઓ એમ કુલ 22 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

મહત્વનું છે કે આ કૌભાંડમાં નિવૃત્ત IAS અધિકારી બી.ડી. નિનામા પણ આરોપી છે, આદિવાસીઓ માટેની યોજનાઓ માટે ફાળવેલ આશરે રૂ. 40 કરોડનુ ભંડોળ ખોટા બહાના હેઠળ પાછી ખેંચી લેવામાં આવ્યું હતુ.

આ સનસનાટી ભર્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રાજપૂત સહિત સહ-આરોપી સરકારી કોન્ટ્રાક્ટર અબુ બકર સૈયદ અને પૂર્વ IAS અધિકારી બીડી નિનામાને છોટા ઉદેપુર અને દાહોદમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન વિભાગની સિંચાઈ યોજનાઓ માટે આદિવાસી પેટા યોજનામાંથી ભંડોળની ઉચાપત મામલે બંને કેસમાં માસ્ટરમાઇન્ડ ગણાવાયા છે.

આરોપીઓએ સરકારી બાબુઓ સાથે મળીને છોટા ઉદેપુરમાં રૂ. 21 કરોડ અને દાહોદ જિલ્લામાં રૂ. 18.6 કરોડની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો હતો.

મહત્વનું છે કે છોટા ઉદેપુર એસઆઈટીએ જિલ્લામાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરાયેલા 11 આરોપીઓ સામે 3,431 પાનાની ચાર્જશીટ અને દાહોદમાં નોંધાયેલા કેસમાં દાહોદ પોલીસે 3400થી વધુ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી છે.
મહત્વનું છે કે નકલી કચેરી પ્રકરણમાં મૃતક સંદીપ રાજપૂત નકલી કાર્યપાલક ઈજનેર બની વ્યવહાર કરતો હતો.
આમ,આ નકલી સરકારી કચેરી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર મનાતા સંદીપ રાજપૂતના અચાનક મોત બાદ આ મેટર ફરી એકવાર ભારે ચર્ચામાં આવી છે.