નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રીઓ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોન્ફરન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો ભાગ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી મુખ્યમંત્રીશ્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦-૧૧માં ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ.૭૮૦ કરોડ ફાળવ્યા હતા. તેને જ અનુસરતાં રાજય સરકારે આ વર્ષે પણ ન્યાયિક વિભાગને રૂ. ૧૭૪૦ કરોડની ફાળવણી કરી છે. ગુજરાત સરકાર ન્યાયતંત્રને અસરકારક માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા હંમેશા પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ન્યાયતંત્રને વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કચાશ રાખી નથી. સરકાર ન્યાયતંત્રને તમામ સુવિધાઓ પૂરી પાડવાના તમામ પ્રયાસો કરશે તેથી સ્થાનિક કક્ષાએ લોકોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરી શકાય.
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં હાઈકોર્ટની ભલામણને પગલે કુલ ૩૭૮ ન્યાયાધીશોની નિમણૂક કરી છે એવું જ નહિ, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૪૮ ફેમિલી કોર્ટને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે આ પરિષદના એજન્ડાની વિવિધ બાબતો પરની ચર્ચાઓ દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશે ગુજરાત હાઈકોર્ટને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રવિન્દર કુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથને આ પરિષદમાં ભાગ લીધો હતો
આ પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાનએ કર્યું હતું તેમાં કેન્દ્રીય કાયદા મંત્રી, ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, જાણીતા ન્યાયશાસ્ત્રીઓ, હાઇકોર્ટના ન્યાયાધીશો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.