જીતના ઉન્માદમાં ગર્લફ્રેન્ડ સાથે ભાન ભૂલેલા હાર્દિક સામે પુણેના એડવોકેટ વાજિદ ખાન બિડકરે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી

  • સ્ટેજ પર હાર્દિક અને માહીકાને સાથે સૂતેલા જોઈ નેટિઝન્સે પણ ‘ચપરી’ અને ‘ક્રિંજ’ જેવી ટિપ્પણીઓ કરી.
  • જો દોષિત ઠરે તો ‘Prevention of Insults to National Honour Act, 1971’ હેઠળ 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ’. રવિવારે (8 માર્ચ, 2026) અમદાવાદમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વાર T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી દરમિયાન હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહીકા શર્મા સાથે મેદાન પર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હાર્દિકે તેની પીઠ પર રાષ્ટ્રધ્વજ લપેટ્યો હતો અને તે માહીકા સાથે ડાન્સ તેમજ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા.

પોલીસ ફરિયાદના કારણો: પુણેના વકીલ વાજિદ ખાન બિડકરે બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વકીલના જણાવ્યા અનુસાર, હાર્દિક વિજયના નશામાં એટલો ખોવાઈ ગયો હતો કે તેણે રાષ્ટ્રધ્વજ પહેરીને ગર્લફ્રેન્ડ સાથે પોડિયમ (સ્ટેજ) પર સૂઈ જઈને ધ્વજની ગરિમાનું અપમાન કર્યું છે. વકીલે જણાવ્યું કે, “નેશનલ ફ્લેગ એક્ટની કલમ 2 મુજબ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું અનિવાર્ય છે, પરંતુ હાર્દિકના કૃત્યથી તેની ગરિમાને ઠેસ પહોંચી છે.”

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા: આ વીડિયો વાયરલ થતા જ ક્રિકેટ ચાહકોમાં બે ફાંટા પડી ગયા છે. કેટલાક લોકોએ તેને અંગત ઉજવણી ગણાવીને બચાવ કર્યો છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ હાર્દિકના વર્તનની ટીકા કરી છે. યુઝર્સે લખ્યું કે અન્ય ખેલાડીઓ પણ તેમના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ હાર્દિકનું ‘PDA’ (Public Display of Affection) અતિશય અને અશોભનીય હતું. કેટલાક લોકોએ તો તેને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેની ભૂમિકા માટે પણ અયોગ્ય ગણાવ્યો છે.

શું થઈ શકે છે કાર્યવાહી? ભારતીય કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ જાહેરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરે, તેને પગ નીચે કચડે અથવા તેની ગરિમા વિરુદ્ધ વર્તન કરે, તો તેને 3 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. હાલમાં પોલીસે ફરિયાદ સ્વીકારી લીધી છે અને પ્રાથમિક તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાર્દિક પંડ્યા તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.