વિમેન્સ લાઇટ ફ્લાય કેટેગરીની ફાઇનલમાં તેણે ઉત્તરી આયરલેન્ડની કાર્લી મેકનોલને 5-0થી હરાવ્યું
કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસે નિખત ઝરીને ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મહિલા લાઇટ ફ્લાય કેટેગરીની ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની કાર્લી મેકનોલને 5-0થી હાર આપી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો આ 48મો મેડલ છે. જ્યારે બોક્સિંગમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. રસપ્રદ વાત એ છે કે નિખતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યો છે.
નિખતે પહેલા રાઉન્ડથી જ મજબૂત શરૂઆત કરી હતી અને તેને છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી. તેણે આ મેચ 5-0થી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે નિખતનો આ પહેલો મેડલ છે. નિખત પહેલા રવિવારે જ બોક્સિંગમાં વધુ બે ગોલ્ડ મેડલ મળ્યા છે. મહિલા વર્ગમાં નીતુ અને પુરુષ વર્ગમાં અમિત પંઘાલે દેશ માટે ગોલ્ડ જીત્યો હતો.
નિખતે સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવ્યું હતું. આ મેચ બાદ તેના ચહેરા પર ગોલ્ડ જીતવાનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. નિખતે સેમિફાઇનલના પ્રદર્શનને જાળવી રાખતા ફાઇનલમાં પણ પંચ માર્યો અને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.
ઉલ્લેખનીય છે કે, રવિવારે સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 17 ગોલ્ડ મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયા મેડલ ટેલીમાં ચોથા ક્રમે આવી ગઈ છે. ભારતે ગોલ્ડની સાથે 12 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેણે અત્યાર સુધીમાં કુલ 48 મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા આ મામલે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 61 ગોલ્ડ, 51 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.