જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે તેની અસર હેઠળ
ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીનો લોકો અહેસાસ કરી રહયા છે.

ગુજરાતમાં હાલ શીત લહેર પ્રસરી ગઈ છે.
ઉત્તર ભારતમાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજસ્થાન સહીત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
ગુજરાત બોર્ડર ઉપર રાજસ્થાનમાં પણ ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે અને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠંડીમાં ઠુઠવાયા હતા. છેલ્લા પાંચેક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. આબુમાં પ્રવાસીઓ હાલ બર્ફીલી મૌસમનો આનંદ માણી રહયા છે.


રાજસ્થાનનું પ્રખ્યાત હિલ સ્ટેશન શિયાળામાં પ્રવાસીઓથી ભરચક બની જાય છે.
અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલું માઉન્ટ આબુ લોકપ્રિય પર્યટન સ્થળ છે. પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અહીં છેલ્લા પાંચ દિવસથી તીવ્ર ઠંડીની વ્યાપક અસર જનજીવન પર જોવા મળી રહી છે. સવારમાં જ ઘાસના મેદાનોમાં વાહનોના કાચ પર બરફ ની ચાદર પણ જોવા મળે છે.
ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત બન્યું છે.