આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતમાં ધરખમ વધારો, ભારત કોલસા માટે અન્ય દેશો પર નિર્ભર
ભારતમાં થર્મલ પાવર સ્ટેશન કોલસાની તંગીનો સામનો કરી રહ્યા છે. સરકારનો પ્રયાસ છે કે વહેલી તકે પાવર સ્ટેશન સુધી કોલસાની સપ્લાઈને ફરી ધમધમતી કરી દેવામાં આવે. પરંતુ સરકાર પાસે સમય ઓછો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની વધેલી કિંમતોએ પણ સંકટમાં મોટો ભાગ ભજવ્યો છે. છેલ્લા થોડા સમયમાં વૈશ્વિક સ્તરે કોલસાની કિંમતમાં 40 ટકાનો ઉછાળો જોવાયો છે.
ઓસ્ટ્રેલિયાથી ભારતની 70 ટકા કોલસાની આયાત
ભારત ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, અમેરિકામાંથી કોલસાની આયાત કરે છે. સરકારે સંકટનો સામનો કરવા માટે આશરે 700 મેટ્રીક ટન કોલસાની આયાતનું અનુમાન લગાવ્યું હતુ. પરંતુ ઈન્ટરનેશન માર્કેટમાં કોલસાની કિંમત 40 ટકા જેટલી વધી ગઈ. ઈન્ડોનેશિયામાં માર્ચ-2021માં કોલસાની કિંમતમાં 60 ડોલર પ્રતિ ટન હતી. જે વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કોલસાની કિંમત પણ ઝડપથી વધી છે. ભારત વીજ ઉત્પાદન માટે 70 ટકા કોલસો ઓસ્ટ્રેલિયામાંથી ઈમ્પોર્ટ કરે છે પરંતુ અહીં ભાવ વધવાથી કોલસાની આયાત ઘટી ગઈ છે.
ભારતમાં 70 ટકા કોલસાથી વીજ ઉત્પાદન
દેશમાં વીજળીની માંગનો આશરે 70 ટકા વીજળીનો પુરવઠો કોલસાથી ઉત્પન્ન થાય છે. જો કે ભારતીય ખાણોમાંથી નીકળનારા કોલસાની ક્વોલિટી બહુ સારી ન હોવાથી વિદેશમાંથી કોલસાની આયાત કરવી પડે છે.