CNG ડિલર્સ દ્વારા 3 માર્ચને શુક્રવારથી સવારે 7 કલાકથી CNGનું વેચાણ અચોક્કસ સમય માટે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી
ગુજરાતમાં શુક્રવારથી સીએનજી ગેસથી ચાલતા વાહનોના પૈડા થંભી શકે છે કારણ કે ડીલર્સે ધમકી આપી છે કે કમિશન નહીં વધારવામાં આવે તો અચોક્કસ સુધી સીએનજી પંપ બંધ રાખવામાં આવશે. CNG વેચતા ડિલર્સના માર્જિનમાં વધારો ન થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના તમામ સભ્યોએ એક સુચના બહાર જાહેર કરી છે જેમાં CNG ડિલર માર્જિન છેલ્લાં 55 મહિનાથી વધ્યું ન હોવાનો દાવો કરાયો છે. જે અંગે ફેડરેશન દ્વારા અનેક પત્રો લખ્યા, મીટિંગ કરી છતાં ડિલર માર્જિન વધારાયું નથી. ત્યારે આ મુદ્દે રાજ્યના તમામ CNG ડિલર્સ દ્વારા 3 માર્ચને શુક્રવારથી સવારે 7 કલાકથી CNGનું વેચાણ અચોક્કસ સમય માટે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે તેમાં ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડિલર્સ પણ આ બંધમાં જોડાયા છે. આમ હવે જો સીએનજી પંપ બંધ રહેશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટને માઠી અસર પહોંચશે જેમાં કોર્પોરેશનની બસ તથા રિક્ષા અને ટેક્સિ ચાલકોનો સમાવેશ થાય છે. જેમાં જનતાએ વેઠવાનો વારો આવશે.
CNGના વેચાણ માટેનું ડિલર માર્જિન છેલ્લાં 55 મહિનાથી વધ્યું નથી, જેના માટે પત્રો તેમજ અનેક બેઠકો પણ કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ નિર્ણય લેવાયો છે. ત્યારે ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી છે.