રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 32 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે હજુપણ કેટલાક લોકો લાપત્તા જણાયા હોય મૃત્યુઆંક વધવાની શકયતા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તેઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

બીજી તરફ દુર્ઘટના સ્થળે રાત ભર રેસ્ક્યુ ઓપરેશન ચાલું રહ્યુ હતુ અને 7 જેસીબી અને 1 હિટાચી મશીન ત્રણ માળનો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો જેમાં ફસાયેલા લાપતા લોકોને શોધવા કાર્યવાહી શરૂ રહી હતી.

સમગ્ર દેશમાં ભારે અરેરાટી ફેલાવનાર રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનામાં આ આગ સીડી પર વેલ્ડિંગ કરતી વખતે ઉડેલા તણખાંને કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે.

દરમિયાન ગેમઝોનમાં થર્મોકોલ, ટાયર,તેમજ 2500 લીટર ડીઝલનો જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી ઉપરાંત ગેમ ઝોનમાં રબ્બર અને રેક્ઝિનનું ફ્લોરિંગ તેમજ પતરાંનાં સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટનું પાર્ટીશન ઉપરાંત કાર ઝોનમાં રખાયેલા એક હજારથી વધુ ટાયરને લઈ આગ જોત જોતામાં ભયાનક બની ગઈ હતી.

મૃત્યુઆંક વધીને 32 સુધી પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત છે.

ખૂબજ નવાઈની વાત તો એ છે કે ચારેક વર્ષથી ફાયર કે એન.ઓ.સી.સહિતની મંજુરી વગર  જ ત્રણ માળનો વિશાળ ડોમ ‘ટીઆરપી ગેમ ઝોન’ કાર્યરત હતો.

રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે.
આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં પાંચ અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરવા પહોંચી છે.