ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીનમાંથી કોઈ મોટા નેતાએ છેલ્લા સાત વર્ષથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી ન હતી. બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે ચીને ઓસ્ટ્રેલિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા હતા. ચીનના વિદેશ મંત્રી વાંગ યી બુધવારે કેનબેરા પહોંચ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાંગ યીએ કહ્યું કે સંબંધો સુધારવાના તાજેતરના પ્રયાસોના કારણે બંને દેશો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ “ધીમે ધીમે વધી રહ્યો છે.”

તેમણે કહ્યું, “સૌથી મહત્વની બાબત એ છે કે અમારા મતભેદો હોવા છતાં, સહકાર માટે સમાન ગ્રાઉન્ડ શોધવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.”
ઓસ્ટ્રેલિયન વિદેશ પ્રધાન પેની વોંગે જણાવ્યું હતું કે ટૂંકા સમયમાં “અમે કેટલી પ્રગતિ કરી છે” તે ઓળખવું મહત્વપૂર્ણ છે.

વોંગે કહ્યું, “અમે ડૉ. યાંગ હેંગજુનની સજા દેવા અંગે પણ વાત કરી.
વિદેશ મંત્રીને કહ્યું કે આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના લોકો માટે મોટો આંચકો છે.

માનવ અધિકારોની ચર્ચા

ચાઈનીઝ મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક યાંગ હેંગજુન લેખક છે.
યાંગ જુન તરીકે ઓળખાતા હેંગજુનને ફેબ્રુઆરીમાં સસ્પેન્ડેડ મોતની સજા આપવામાં આવી હતી.
ચીનની એક કોર્ટે તેમને જાસૂસી માટે દોષિત ઠેરવ્યા હતા.
જોકે, તેઓ આ આરોપોને નકારી રહયા છે.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ કહ્યું, “મેં માનવાધિકાર અંગે ઓસ્ટ્રેલિયાની ચિંતા વ્યક્ત કરી છે. તેમાં શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગનો પણ સમાવેશ થાય છે.”

હોંગકોંગે મંગળવારે જ એક નવો સંરક્ષણ કાયદો પસાર કર્યો, જેમાં રાજદ્રોહ માટે સખત સજાની જોગવાઈ છે.
અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કાયદાની નિંદા કરી છે.

જ્યારે ચીનના વિદેશ મંત્રી ઓસ્ટ્રેલિયન નેતાઓને મળી રહ્યા હતા ત્યારે કેનબેરામાં સંસદની બહાર વિશાળ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.
આ પ્રદર્શનકારીઓએ શિનજિયાંગ અને તિબેટના ધ્વજ લહેરાવતા ચીન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની પાસે પ્લેકાર્ડ હતા જેના પર ‘માનવ અધિકાર વેચાણ માટે નથી’ અને ‘યાંગ હેંગજુનને મુક્ત કરો’ જેવા સૂત્રો લખેલા હતા.
તણાવ કેવી રીતે વધ્યો?

ઑસ્ટ્રેલિયા અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ 2018 માં શરૂ થયો જ્યારે ઑસ્ટ્રેલિયાએ સુરક્ષા કારણોને ટાંકીને ચીનની ટેલિકમ્યુનિકેશન કંપની Huawei ને 5G નેટવર્ક હરાજીમાંથી બાકાત કરી.
તે પછી, 2020 માં, ઓસ્ટ્રેલિયાએ કોવિડ -19 રોગચાળા માટે જવાબદાર કોરોના વાયરસના ફેલાવામાં ચીનની ભૂમિકા અંગે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી, જેનાથી ચીન નારાજ થયું. તેના જવાબમાં ચીને ઓસ્ટ્રેલિયન ઉત્પાદનોની આયાત પર કડક નિયંત્રણો લાદી દીધા હતા. જવ, બીફ અને વાઇન જેવા ઉત્પાદનોની આયાત સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી જ્યારે કોલસાની આયાત બંધ કરવામાં આવી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થયું હતું.

2022માં લેબર પાર્ટી સરકારમાં પરત ફર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો વધી ગયા છે. આ પ્રયાસોના પરિણામો પણ સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઉત્પાદનો પરના મોટાભાગના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. જો કે, વાઇન પર પ્રતિબંધ હજુ પણ ચાલુ છે.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે કહ્યું કે આ મહિનાના અંતમાં વાઈન પરના ટેક્સ અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રતિબંધો હટાવવાની દિશામાં આ એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

પ્રતિબંધ લાદવામાં આવ્યો તે પહેલા ચીન ઓસ્ટ્રેલિયન વાઈનનો સૌથી મોટો ખરીદદાર હતો. સરકારી આંકડા અનુસાર, 2020માં નિકાસની 33 ટકા આવક વાઇનમાંથી આવી હતી.

ખનિજો વિશે ચિંતા

ઓસ્ટ્રેલિયા તેના ખનિજોને લઈને પણ ચિંતિત છે કારણ કે તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક બજારમાં તેના માલની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે. ઈન્ડોનેશિયાએ બજારને સસ્તા માલસામાનથી ભરી દીધું છે, જેના કારણે ઓસ્ટ્રેલિયન કાચા માલની કિંમત અને માંગમાં ઘટાડો થયો છે.

બુધવારે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે નિકલના વેપાર અંગે પણ ચર્ચા થઈ હતી.
ચીન કાચા માલ માટે ઈન્ડોનેશિયામાં મોટાપાયે રોકાણ કરી રહ્યું છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા બેચેન છે. છેલ્લા એક વર્ષમાં જ નિકલના ભાવમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચેના સંબંધોમાં આવેલા ઘટાડાના કારણે ભારતને મોટો ફાયદો થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ચીનના વિકલ્પ તરીકે ભારતને મહત્વ આપ્યું અને તેની સાથે મોટા કરાર કર્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં, બંને દેશોના વડા પ્રધાનો અને ઘણા મોટા નેતાઓએ એકબીજાની મુલાકાત લીધી અને ઘણી વેપાર સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર પણ વાતચીત ચાલી રહી છે.

નિષ્ણાંતો ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો સુધરવાની ભારત પર અસરથી વધારે ચિંતિત નથી કારણ કે તેઓ માને છે કે ઓસ્ટ્રેલિયા હંમેશા ચીનનો વિકલ્પ તૈયાર રાખવા માંગશે.