દેશમાં નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ વિપક્ષ એક થયા અને સંગઠનની રચના કરી,ઉપરા ઉપરી મિટીંગ થઈ મોટી મોટી જાહેરાત થઈ પણ આખરે ‘ગઠબંધન’ પડી ભાંગ્યું છે.
બંગાળ-પંજાબમાં સંગઠનમાં પડેલી તિરાડ બાદ હવે બિહારમાં નીતિશ કુમાર ભાજપ સાથે ભળી જતા સંગઠનનું ‘બાળ મરણ’ થઈ ગયું છે.
મહત્વનું છે કે ગત તા.23 જૂન, 2023 ના રોજ, NDA વિરુદ્ધ ગઠબંધન બનાવવા માટે પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી,જેમાં વિપક્ષ પક્ષો આ વિરોધ અભિયાનમાં જોડાયા હતા અને ‘એક’ થયા હતા.
દરમિયાન કુલ 28 પક્ષોએ મળીને ભાજપ વિરુદ્ધ I.N.D.I.A ગઠબંધન અર્થાત ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ની જાહેરાત કરી હતી.
પરંતુ જ્યારે ખરો સમય આવ્યો ત્યારે મમતા બેનર્જીએ બંગાળમાં લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જ્યારે જાહેરાત કરી ત્યારે સંગઠનની પડતી શરૂ થઈ,કારણકે બેઠકોની વહેંચણીની વાત અહીં ફગાવી દેવામાં આવી.
ત્યારબાદ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવા માટે ગંભીર રીતે વિચારી રહી છે,આ બંને પક્ષો કોંગ્રેસ પર જિદ્દ અને મનમાનીનો આરોપ લગાવી રહ્યા છે.
આ બધા વચ્ચે હવે બિહારમાં મોટો ઝટકો લાગ્યો કે જ્યારે નીતિશ કુમારે ભાજપ સાથે ફરી જોડાણ કરી સંગઠન ના ધજીયા ઉડાવી દીધા.
આમ, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એકજૂથ થઈ પડકાર આપવાની વિપક્ષોની જે રણનીતિ હતી તે અધવચ્ચે જ તૂટી પડી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર સાથે વિપક્ષી ગઠબંધનના ખરાબ દિવસોની શરૂઆત થઈ હતી,
નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસ પાસેથી કેટલીક સીટો માંગી હતી, પરંતુ કોંગ્રેસે ના પાડી દીધી હતી.
આ પછી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં JDUએ એકલા હાથે પોતાના ઉમેદવારો ઉતાર્યા.
મુંબઈ અને બેંગલુરુમાં વિપક્ષી ગઠબંધનની બેઠકો યોજાઈ હતી, પરંતુ આ બેઠકોમાં પણ એવું કંઈ નક્કી થઈ શક્યું નહોતું જેનાથી ગઠબંધન વધુ મજબૂત બને.
સીટોની વહેંચણી પર કોઈ સહમતિ બની નહિ શકતા ઘણા પક્ષો વિપક્ષી ગઠબંધનથી મોહભંગ થવા લાગ્યા હતા.
આ બધા વચ્ચે બંગાળમાં પણ સીટોની વહેંચણી પર સર્વસંમતિના અભાવે ટીએમસીના વડા મમતા બેનર્જીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતા ટીએમસીના નેતાઓએ કોંગ્રેસના નેતાઓના રેટરિક પર નારાજગી વ્યક્ત કરી હતી.
પંજાબમાં પણ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાની વાત વચ્ચે હવે બિહારમાં પણ વિપક્ષી ગઠબંધન નિષ્ફળ જતા I.N.D.A.ગઠબંધનનું બાળ મરણ થઈ ગયું છે અને લોકોમાં આ સંગઠન હાસ્યાસ્પદ બન્યું છે.