ન્યુઝીલેન્ડમાં હોળી પર્વ પર આવેલા ભારતીય કલાકારોનો ‘વિઝા કાંડ’, ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે તપાસ શરૂ કરી, 18 સભ્યોમાંથી 11 સભ્યોના વિઝા 6 માર્ચે પૂરા થયા, છતાં ભારત પરત ન ફર્યા
‘કલર્સ ઇન ધ પાર્ક’ માટે 27 લોકોએ અરજી કરી હતી, જેમાંથી કેટલાકના ડોક્યુમેન્ટ્સ ફરજી હોવાથી અરજીઓ નકારી હતી
શિવાની કશ્યપનું ગ્રુપ વિવાદમાં: બોલિવૂડ સિંગર શિવાની કશ્યપ સાથે આવેલા પરફોર્મન્સ ગ્રુપના સભ્યો વિઝા પૂરા થયા હોવા છતાં દેશ છોડવામાં નિષ્ફળ.
ગેરકાયદે વસવાટ: 18 સભ્યોમાંથી 11 સભ્યોના વિઝા 6 માર્ચે પૂરા થઈ ગયા છે, છતાં તેઓ ન્યુઝીલેન્ડમાં જ રોકાયા હોવાનું ખુલ્યું.
ખોટા દસ્તાવેજોનો મામલો: ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) એ ખુલાસો કર્યો કે કેટલીક વિઝા અરજીઓમાં છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.
ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડના પુકેકોહે (Pukekohe) માં યોજાયેલા ‘કલર્સ ઇન ધ પાર્ક’ હોળી ઉત્સવમાં પરફોર્મ કરવા આવેલા ભારતીય કલાકારોનું એક જૂથ અત્યારે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) ની તપાસ હેઠળ છે. બોલિવૂડ ગાયિકા શિવાની કશ્યપ સાથે જોડાયેલા આ જૂથના અનેક સભ્યો વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભારત પરત ફર્યા નથી.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડના વિઝા ડાયરેક્ટર જોક ગિલરેએ જણાવ્યું હતું કે, આ જૂથના કુલ 18 સભ્યો ન્યુઝીલેન્ડમાં પ્રવેશ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ વ્યક્તિઓ પાછી ફરી છે. બાકીના 15 સભ્યોમાંથી 4 પાસે વેલિડ વિઝા છે, જ્યારે અન્ય સભ્યોના વિઝા 6 માર્ચ, 2026 ના રોજ પૂરા થઈ ગયા હોવાથી તેઓ હવે ન્યુઝીલેન્ડમાં ‘ગેરકાયદે’ (Unlawful) ગણાય છે. વિભાગ અત્યારે આ વ્યક્તિઓનો સંપર્ક કરવાને પ્રાથમિકતા આપી રહ્યું છે.
શંકાસ્પદ ભૂમિકા અને દસ્તાવેજો: તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે 27 લોકોના આ જૂથ માટે જ્યારે વિઝા અરજીઓ કરવામાં આવી હતી, ત્યારે કેટલીક અરજીઓ શંકાસ્પદ અને છેતરપિંડીભર્યા દસ્તાવેજોને કારણે નકારવામાં આવી હતી અથવા પાછી ખેંચી લેવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે, આખા ગ્રુપના નામે વિઝા લેવાયા હતા, પરંતુ હોળીના કાર્યક્રમમાં માત્ર શિવાની કશ્યપ જ સ્ટેજ પર જોવા મળી હતી, જ્યારે અન્ય સભ્યોની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા નથી.
નોંધનીય છે કે શિવાની કશ્યપ અગાઉ ઓગસ્ટ 2025 માં ભારતની આઝાદીના 79મા પર્વ પર પણ ન્યુઝીલેન્ડ આવી હતી. હાલ ઇમિગ્રેશન વિભાગ આ મામલે કડક કાર્યવાહીના સંકેત આપી રહ્યું છે.