વિદેશમાં ઊંચા પગારમાં નોકરી મળશે તેમ વિચારી પરદેશ જવા માંગતા યુવાનોને ગઠિયા લૂંટી રહ્યા હોવાના કિસ્સા વધ્યા છે ત્યારે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ કંપનીમાં ઓપરેટરની નોકરી કરતા અને
ડિંડોલી ખાતેના આવિષ્કાર રો-હાઉસમાં રહેતા 30 વર્ષીય સંદીપ શરદ પાટીલ નામના યુવાને ન્યૂઝીલેન્ડ જઈ ઊંચા પગારે નોકરી મળવાની લાલચમાં લેભાગુ એજન્ટની વાતમાં આવી જઈ રૂ.4.91 લાખની ૨કમ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ ઘટનામાં યુવકે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ખેડાના એજન્ટ જોય ડાહ્યા ખિસ્તી અને તેના ભાઈ જયકર ડાહ્યા ખિસ્તી સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ ન્યુઝીલેન્ડ જવા માટે એજન્ટે સંદીપ પાસેથી શરૂઆતમાં 5.50 લાખ રૂપિયા માંગ્યા હતા ત્યારપછી પાંચ લાખમાં નક્કી થયું હતું.
જોકે, મુંબઈ એરપોર્ટથી ઓકલેન્ડ વાયા દોહા 27મી ઓક્ટોબર-22એ
જવાનું નક્કી થયા બાદ ટીકીટ પણ મળી ગઈ પણ જ્યારે એરપોર્ટ પર પહોંચી એજન્ટે આપેલી ટીકીટ બતાવતા તે ટીકીટ બોગસ હોવાની વાતનો ખુલાસો થતાં સંદિપે એજન્ટને આ ટીકીટ બોગસ હોવાનું જણાવતા એજન્ટે 21મીએ અમદાવાદથી બીજી ટિકિટ ન્યુઝીલેન્ડની આપી પછી એજન્ટે તેને સુરત આવવાની વાત કરી સાથે જઈશું એવું કહ્યું હતુ ત્યારબાદ ત્રીજી ટિકિટ ફરી અમદાવાદથી ન્યુઝીલેન્ડની આપી તેને અમદાવાદ મળવા બોલાવ્યો હતો.
આખરે સંદિપને પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું જણાતા તેણે
લેભાગુ એજન્ટ પાસે ખેડા જઈ પોતાના પૈસા પરત કરવા જણાવતા એજન્ટે હાથ ઊંચા કરી દેતાં આખરે છેતરપીંડીનો ભોગ બનનાર સંદીપ પાટીલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.