25મી જૂને ડાર્નેલ બ્રાઉન નામના વ્યક્તિએ મોટેલમાં ભાડાની તકરારમાં 67 વર્ષીય જગદીશ પટેલ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, સારવાર દરમિયાન સુરતના સચિનના જગદીશ પટેલનું થયું મોત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
છેલ્લા એક મહિનામાં ત્રીજા ગુજરાતી વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ ન્યૂ પોર્ટ અને ન્યૂ જર્સીના લૂંટના ઇરાદે હુમલા કરવામાં આવ્યા હતા અને હવે સાઉથ કેરોલિનામાં સુરતના સચિનના લાજપોર પોપડા ગામના જગદીશ પટેલની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના સાઉથ કેરોલિના ખાતે ચાર્લ્સસ્ટન હાઇટ્સ મોટેલના બિઝનેસ સાથે જગદીશ પટેલ જોડાયેલા હતા. 25મી જૂને ડાર્નેલ બ્રાઉન નામના વ્યક્તિએ ભાડાની તકરારમાં 67 વર્ષીય જગદીશ પટેલ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જગદીશ પટેલને ઘાયલ અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓએ 30 જુને દમ તો઼ડ્યો હતો. પોલીસે અશ્વેત નાગરિક ડાર્નેલ ડ્વેઇન બ્રાઉનની ધરપકડ કરી હતી.
શનિવારે રાત્રે 9-54એ બન્યો હતો બનાવ
ડાર્નેલ ડ્વેન બ્રાઉન છેલ્લા બે દિવસથી ભાડું આપ્યા વિના જ મોટેલમાં રોકાયેલો હતો અને જ્યારે જગદીશ પટેલે બ્રાઉન પાસે ભાડુ માગતા શનિવારની રાત્રીએ 9.54 કલાકે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં જગદીશ પટેલને માથા અને પેટના ભાગે ગોળી વાગી હતી. જગદીશ પટેલ નોર્થ ચાર્લ્સ્ટન ખાતે રહેતા હતા અને ગુરુવારે બપોરે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આરોપીના જામીન ફગાવી દેવામાં આવ્યા છે અને તેને અલ કેનન ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. જગદીશભાઈનું આખું ફેમિલી વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે.
ચાર્લ્સટન કાઉન્ટીના કોરોનર બોબી જો ઓ’નીલે પીડિતાની ઓળખ ઉત્તર ચાર્લસ્ટનના 67 વર્ષીય જગદીશભાઈ પટેલ તરીકે કરી હતી. ઓ’નીલના જણાવ્યા મુજબ, ગોળી વાગવાથી પટેલનું ગુરુવારે બપોરે મૃત્યુ થયું હતું. પોલીસ પ્રવક્તા હાર્વ જેકોબ્સે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બ્રાઉનની ઓળખ શંકાસ્પદ તરીકે થઈ હતી.જેલના રેકોર્ડ મુજબ, રવિવારે વહેલી સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને 3:41 વાગ્યે અલ કેનન ડિટેન્શન સેન્ટરમાં બુક કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશ જેમ્સ બી. ગોસ્નેલ જુનિયરે હત્યાના પ્રયાસના આરોપમાં બ્રાઉન માટે બોન્ડનો ઇનકાર કર્યો હતો.