ચંદ્રયાન 3 મિશનમાં અમદાવાદ ઇસરોમાં 11 જેટલા સાધનો બનાવાયા, જેને મિશનમાં ઉપયોગમાં લેવાશે

ચંદ્રયાન 3 મિશનની સફળતા પર સમગ્ર ભારત સહિત વિશ્વની નજર રહેલી છે. પરંતુ આ મિશનની સફળતા પર અમદાવાદ ઇસરોની પણ નજર રહેલી છે. કારણ કે અમદાવાદ ખાતે આવેલ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું પણ ખૂબ જ મોટું યોગદાન છે. ચંદ્રયાન 3 મિશનમાં અમદાવાદ ઇસરોની ટીમ દ્વારા પણ 11 જેટલા સાધનો બનાવવામાં આવ્યા છે.

કઇ કઇ સિસ્ટમાં અમદાવાદ ISROનું યોગદાન ?
ચંદ્રયાન 3 મિશન અથવા તો એમ કહીએ કે કોઇપણ મિશનમાં સેન્સરનું ઘણું મહત્વ હોય છે. હવે તમને જણાવી દઇએ કે અમદાવાદ ISROની ટીમ દ્વારા ચંદ્રયાન 3 મિશનના સેન્સર પર કામ કરવામાં આવ્યું છે. અમદાવાદ ઇસરો કેન્દ્ર ખાતે સેટેલાઈટના સેન્સર તથા પેલોડ બનાવવામાં આવ્યા છે. કારણ કે ગત ચંદ્રયાન 2 મિશનમાં સેન્સર છેલ્લી ઘડીએ સેન્સર પોતાની કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા જેને પગલે મિશન છેલ્લી ઘડીએ નિષ્ફળ રહ્યું હતું. આમ ચંદ્ર પર લેન્ડરને લેન્ડ કરવામાં સેન્સર પર ખાસ કામ અમદાવાદ ખાતે કરાયું છે. માત્ર આટલું જ નહીં પરંતુ કાર્બન અલ્ટીમીટર સેન્સર, કેમેરા સિસ્ટમ, પ્રોસેસિંગ સિસ્ટમ , રોવરનું ઈમેજ મેકર જેવી અલગ અલગ 11 વસ્તુ અમદાવાદ ISRO ટીમ દ્વારા નિર્માણ કરાયા છે.

ચંદ્રયાન 3ની સફળતાથી શું પ્રાપ્ત થશે ?
ચંદ્રયાન 3 માં સફળતા મળશે તો ચંદ્ર પરનું વાતાવરણ તેની જમીન, કેમિકલ્સ સહિતની માહિતી પ્રાપ્ત થશે. આ ઉપરાંત રાત-દિવસ ભરતી અને ઓટની પણ વધુ જાણકારી આ સેટેલાઈટ મારફતે આપણને પ્રાપ્ત થશે.

ક્યારે થશે લોન્ચિંગ ?
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. તથા ચંદ્રયાન 3 બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે. જેમાં લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. સાથે જ ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે, અને તેનું વજન કુલ 3,900 કિગ્રા છે. આ રોવર ચંદ્રયાન-2 ના વિક્રમ રોવર જેવું જ છે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગની ખાતરી કરવામાં મદદ કરવા માટે સુધારાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તમે ચંદ્રયાન-3નું લાઈવ લોન્ચિંગ ઓનલાઈન અથવા મોબાઈલ પર ઘરે બેઠા જોઈ શકો છો.