ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના સંયોજક કેજરીવાલે ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધન કરતી વખતે ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારની જાહેરાત કરી છે,તેઓ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં છે.
કેજરીવાલે સંબોધન દરમિયાન ઉમેર્યું કે આ લડાઇ માત્ર ચૈતર વસાવાની લડાઇ નથી પણ તમારા માન-સ્વાભિમાનની લડાઇ છે,આદિવાસી સમાજની માન સન્માનની લડાઇ છે. જો આજે તમે ચૂપ રહ્યા, બેસી રહ્યા તો ભાજપનો આત્મવિશ્વાસ બુલંદ થઇ જશે.

કાલે કોઇ બીજો આદિવાસી સમાજનો યુવાન ઉભો થશે તો તેને પણ કચડી નાખવામાં આવશે તેથી આપણે ચૂપ રહેવાનું નથી અને બધાએ સાથે મળીને લડાઈ લડવાની છે, ભરૂચના નેત્રંગ ખાતે નર્મદાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા સંબોધ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં રાત્રિ રોકાણ કરશે અને આવતી કાલે સોમવારે સવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે,કેજરીવાલની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે,જ્યાં ચૈતર વસાવાને મળ્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.
હવે તેઓ ભરૂચ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડશે.

નોંધનીય છે કે વનવિભાગના કર્મીને ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપસર ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 15 ડિસેમ્બરના રોજ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. જે બાદથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.