ગાંધીનગર નજીક ગીફ્ટસીટી પાસે આવેલા ઐતિહાસિક વલાદ ગામે આવેલ શ્રી અજિતનાથ સ્વામી ભગવાનના જિનાલયના શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે જિનાલયમાં અરહિંતને પ્રતિષ્ઠિત કરવાના મહા મંગલકારી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા સૌને ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

પૂ.આચાર્ય દેવેસ શ્રી પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌને પધારવા માટે શ્રી અજિતનાથ ભગવાન દેરાસર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહોત્સવનો પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૦,મહાસુદ-૮ને તા.17/2/2024 શનિવારથી થયો છે.
તા.21/2/2024ના રોજ અંજન અધિવાસના અને તા.22/2/2024ના રોજ પ્રતિષ્ઠા થશે.
તા.23/2/2024ના રોજ દ્વાર ઉદઘાટન થશે.
ગાંધીનગર પાસે આવેલા વલાદ ગામે આજથી 100 વર્ષ પહેલાં પુજ્યપાદ સંગસ્થવીર બાપજી મહારાજના હસ્તે 20મી સદીના ઉત્તરાર્ધરમાં વિ.સં.૧૯૮૦ને વૈશાખ સુદ-૫ ને તા.૯-૫-૧૯૨૪ના દીને શ્રી અજીતદાદા વલાદ જિનાલય માં મૂળ નાયક પદે પ્રતિષ્ઠિત થયા હતા.

દરમિયાન પરમાત્માનું જિનાલય કાળક્રમે જીર્ણ થતા તેનો જીર્ણોધ્ધાર અમેરિકામાં રહેતા શ્રી જયેશ ભાઈ ચીનુભાઈ શાહે કરાવ્યો હતો.
હવે આ નવનિર્મત જિનાલયમાં શ્રી અજિત દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ બીજા ચાર પરમ તારક પ્રભુ શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. આ પ્રસંગે સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

—-વલાદ ગામનો ઐતિહાસિક ઇતિહાસ આ મુજબ છે—-

સૂર્ય સાથે લગ્ન કરવા ઇચ્છુક જાંબાલી ઋષિની પુત્રીએ વસાવેલું નગર એટલે બાલાર્ક.
બાલા+અર્ક (સૂર્યનો અંશ)તેજ બાલાપુરી નગરી અને બાલાર્કનું અપભ્રંશ તેજ આજનું વલાદ નગર.

વિ.સંવતની આઠમી સદીમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન વલાદ નગરીની જાહોજલાલી પુરબહારમાં હતી તે સમયે દિલ્હીના વિધર્મી બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ વિ. સં 1310માં આ નગર ઉપર ચડાઈ કરી મંદિરો અને મૂર્તિઓનો નાશ કર્યો અને નગરને લૂંટયું.
આ સમયે નગરજનો લડાઈમાં ઝઝૂમ્યા હતા અને અનેક ભૂદેવો લડતા લડતા શહીદ થયા જે શહીદ થયા તે ભુદેવોની જનોઈનું વજન જ સવામણ થયું હતું તેના ઉપરથી ખ્યાલ આવી શકે કે અનેક ભુદેવોએ બલિદાન આપ્યું હતું.
આ લોહિયાળ જંગની સાક્ષી આપતું જનોઈ તળાવ આજેપણ આ નગરમાં છે.
વલાદમાં જાજરમાન જૈન જિનાલય તેમજ બાલા માતા,સુરજદેવ,માતરી માતા,કાળી માતા,શિવાલય,જાંબાલી ઋષિ મંદિર,રખી બાપા દેરી અને વેદાંત
આશ્રમ આવેલા છે.
વ્યાપાર ભૂમિ હોય રાજસ્થાન સાથે સદીઓથી વ્યવહાર હોય અહીં દશા શ્રીમાળી,વિશાશ્રીમાળી,ઓસવાલ-પોરવાડ જ્ઞાતિના જૈન વ્યાપારીઓ વલાદ અને આજુબાજુના વિસ્તારમાં પ્રાચીન સમયથી સ્થિર થયા હોય તેઓની સંખ્યા જોવા મળે છે.

ગાંધીનગરના વલાદ ગામે આવેલ શ્રી અજિતનાથ સ્વામી ભગવાનનું જિનાલય જૈનોની આસ્થાનું પ્રતીક છે અને આ જીનાલયને 100 વર્ષ પૂર્ણ થતાં હવે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે જીનાલયના શતાબ્દી વર્ષ અને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.