18 મહિનામાં આહલાદક મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું, કેનબેરાના ટેલરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. કેનબેરા
ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં વધુ એક બીએપીએસ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી કેનબેરા ખાતે સ્વામિનારાયણ સંસ્થાનનું મંદિર બને તેવી લોકોની માગણી હતી અને આખરે હવે આ ઘડી નજીક પહોંચી ગઇ છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સભ્યો માટે મંદિર અને સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપવા માટે ટેલરમાં આંખ આકર્ષક માળખું માત્ર 18 મહિનામાં પૂર્ણ થયું ગયું છે..
યુએઇના અબુ ધાબીમાં થોડા સમય પહેલા જ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું, હવે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં પણ હિન્દુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. ટેલર ખાતે આવેલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 14મી માર્ચથી 17 માર્ચ દરમિયાન યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ ખાતેથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
મહંત સ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસની ઇંટોની થઇ હતી પૂજા
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે મંદિરના શિલાન્યાસમાં ઉપયોગમાં લેવાયેલી ઇંટોની સૌથી પહેલા પૂજા કરવામાં આવી હતી. 15 જાન્યુઆરી 2022ના રોજ અનેક ભક્તોની હાજરીમાં આ શિલાન્યાસ વિધિ યોજાઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતીય હાઇ કમિશનર પણ હાજર રહ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ
14 માર્ચથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાનારો છે. જ્યાં પ્રથમ દિવસે સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજા દિવસે શ્રી સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મહાયજ્ઞનું સવારે 9થી 12 કલાકે આયોજન કરાયું છે. આ તરફ બપોરે ત્રણ કલાકથી મહિલા દિન (ભક્તિ તુલા) યોજાશે જ્યારે સાંજે 8થી 10 કિર્તન આરાધના આયોજિત છે. આ તરફ 16મી માર્ચે બપોરે ચાર કલાકથી નગર યાત્રા અને કલ્ચરલ પ્રોગ્રામ આયોજિત છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સવારે 8 કલાકથી શરૂ થશે અને મૂર્તિ પ્રતિષ્ઠા સભા સવારે 10 કલાકથી પ્રારંભ થશે.