હિન્દુ સંસ્થાઓ દ્વારા પન્નુના નિવેદનોને હેટ ક્રાઈમ તરીકે નોંધવાની કરી અપીલ

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી છે. કેનેડાના હિન્દુઓએ પન્નુની ધમકીને લઈને જસ્ટિન ટ્રુડો સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં પન્નુના નિવેદનોને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને પન્નુના નિવેદનોને હેટ ક્રાઈમ તરીકે જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે.

કેનેડિયન હિંદુ સંગઠન ‘હિન્દુ ફોરમ કેનેડા’એ પન્નુના નિવેદનો પર ચિંતા વ્યક્ત કરીને જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્કને આ પત્ર લખ્યો છે. જેમાં જસ્ટિન ટ્રુડો અને એનડીપી નેતા જગમીત સિંહને ગુરપતવંત સિંહ પન્નુની ધમકીને હેટ ક્રાઈમ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડાનો હિંદુ સમુદાય ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિવેદનોને લઈને તેની ઊંડી ચિંતાઓ તરફ તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરે છે. અમે અધિકારીઓને આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવા વિનંતી કરીએ છીએ, કારણ કે તે કેનેડિયન નાગરિકોની સુરક્ષાને સીધી અસર કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે અમારી ચિંતા વધુ વધી ગઈ છે.

હિન્દુ સંગઠને પોતાના પત્રમાં લખ્યું છે કે, પન્નુએ પોતાના અને પોતાના ખાલિસ્તાની સાથીદારોના મંતવ્યો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા છે, તેઓ એવા લોકોને નિશાન બનાવવા માંગે છે જેઓ તેમની વિચારધારા સાથે સહમત નથી. અમે આશા રાખીએ છીએ કે કેનેડા પ્રશાસન આના પર ગંભીર પગલાં લેશે. એટલું જ નહીં, પત્રમાં કહેવામાં આવ્યું છે કે શું પન્નુના આ નિવેદનને હજુ પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે લેવામાં આવશે.

પન્નુએ કેનેડિયન હિન્દુઓને ધમકી આપી હતી
હકીકતમાં, કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડિયન હિંદુઓને ધમકી આપી છે અને તેમને ભારત પાછા ફરવા કહ્યું છે. ‘કેનેડા છોડો, હિંદુઓ, ભારત જાઓ’ શીર્ષકથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પન્નુએ કહ્યું હતું, ઈન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાને નકારી કાઢી છે. તમારું ગંતવ્ય ભારત છે. કેનેડા છોડો, ભારત જાઓ તેવો ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો હતો.

કેનેડા અને ભારત વચ્ચે તણાવ વધ્યો
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર જૂનમાં માર્યો ગયો હતો. તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ લગાવ્યો છે. આ પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ તણાવ ઉભો થયો. ભારતે મંગળવારે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા, તેમને બકવાસ અને નિહિત હિતથી પ્રેરિત ગણાવ્યા હતા. તેમજ ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટીના જવાબમાં કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.