જસ્ટિન ટ્રુડો અને સોફીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા કર્યું એલાન
anada PM Justin Trudeau separate: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ 18 વર્ષ પછી પત્ની સોફીથી અલગ થવાની જાહેરાત કરી. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે (2 ઓગસ્ટ) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ અને તેમની પત્ની, સોફી ગ્રેગોઇર ટ્રુડો, અલગ થઈ રહ્યા છે.
જસ્ટિન ટ્રુડો અને સોફીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ લાંબી વાતચીત બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ કાનૂની અલગતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
બંનેના લગ્ન 2005માં થયા હતા
બંનેના લગ્ન વર્ષ 2005માં થયા હતા. 48 વર્ષની સોફી ગ્રેગોઇર ટ્રુડો ક્વિબેકમાં ટેલિવિઝન રિપોર્ટર પણ રહી ચૂકી છે. તેણે 51 વર્ષીય જસ્ટિન ટ્રુડો સાથે ત્રણ ચૂંટણીઓ માટે પ્રચાર પણ કર્યો છે. તેણી ઘણી વખત મહિલાઓના અધિકારો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની હિમાયત કરતી જોવા મળી છે.
બંને બાળકો માટે ફેમિલી હોલિડે પર જશે
બંનેને ત્રણ બાળકો છે – 15 વર્ષીય જેવિયર, 14 વર્ષીય એલા-ગ્રેસ અને 9 વર્ષીય હેડ્રિયન. અલગ થવાને લઈને જારી કરાયેલા નિવેદનમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તે પોતાના બાળકો માટે એક પરિવારની જેમ જ રહેશે. બંને બાળકોને સલામત અને પ્રેમાળ વાતાવરણમાં ઉછેરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આવતા સપ્તાહથી તે બાળકો સાથે ફેમિલી હોલિડે પર જશે.
પદ પર રહીને પત્નીથી અલગ થનાર બીજા વડાપ્રધાન
તે જ સમયે, જસ્ટિન ટ્રુડોની ઓફિસે તેમની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી છે. ટ્રુડો બીજા વડાપ્રધાન છે જેમણે પદ પર રહીને અલગ થવાની જાહેરાત કરી છે. અગાઉ તેમના પિતા પિયર ટ્રુડો 1979માં પત્ની માર્ગારેટથી અલગ થઈ ગયા હતા અને 1984માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.