દિલ્હીની જનતાને ઉનાળામાં પાણીની સમસ્યા માટે પાણી પૂરું પાડવાના CM કેજરીવાલના આદેશ સામે તપાસ એજન્સી હવે કાર્યવાહી માટે કાયદાની જોગવાઈનો અભ્યાસ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલ જ્યારે ED રિમાન્ડમાં હતા ત્યારે તેમના દ્વારા જારી કરાયેલા સરકારી આદેશની નોંધ લીધી છે.
અધિકારીઓએ કહ્યું કે, તેઓ તપાસ કરી રહ્યા છે કે શું આવી સૂચનાઓ જારી કરવી એ PMLA કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના દાયરામાં છે? સવાલ એ છે કે કેજરીવાલ કસ્ટડી દરમિયાન સરકાર ચલાવવા માટે જરૂરી દસ્તાવેજો પર સહી કરી શકશે? કોર્ટના આદેશ અનુસાર, કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને અંગત સહાયક બિભવ કુમારને દરરોજ સાંજે 6 થી 7 દરમિયાન અડધો કલાક મળી શકે છે, જ્યારે તેઓ તેમના વકીલોને અડધો કલાક મળી શકે છે.
અગાઉ, દારૂ કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ED કસ્ટડીમાંથી પહેલો આદેશ જારી કરીને જેલમાંથી સરકાર ચલાવવાના તેમના દાવાને સાચા ઠેરવ્યા હતા. આ આદેશ જળ મંત્રાલય સાથે સંબંધિત છે. કેજરીવાલે પાણી મંત્રી આતિશીને દિલ્હીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો હતો. આતિશીએ પોતે રવિવારે મીડિયા સમક્ષ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, મુખ્યમંત્રીને ખબર પડી કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણી અને ગટરની ઘણી સમસ્યાઓ છે. તે આ અંગે ચિંતિત છે.
આતિશીએ કહ્યું, સીએમ માને છે કે તેમના જેલમાં હોવાને કારણે લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ.
ઉનાળો પણ આવી રહ્યો છે, તેથી, EDની કસ્ટડીમાં રહીને તેમણે શનિવારે આદેશ આપ્યો કે જ્યાં પાણીની અછત હોય ત્યાં યોગ્ય સંખ્યામાં ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓને યોગ્ય આદેશો આપવા જોઈએ જેથી કરીને જનતાની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે. જો જરૂર પડે તો આ મામલે લેફ્ટનન્ટ ગવર્નરની મદદ લો.
દિલ્હી સરકારને જેલમાંથી ચલાવવા પર ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, ગેંગ જેલમાંથી ચાલે છે, સરકાર કેમ નહીં?
તિવારીએ કેજરીવાલની ધરપકડને સ્વરાજથી દારૂ સુધીની સફર ગણાવી હતી. તેમણે કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તે વીડિયોમાં સીએમની ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ ખુરશી પર બેસવામાં તેમને કોઈ શરમ ન આવી.